સુરેન્દ્રનગર : 12 ફેબ્રુઆરી
લીંબડી તાલુકાના ભલગામડા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ તેમજ ગંગા સ્વરૂપા સહાય યોજનાના લાભાર્થીઓને સહાય હુકમનું પણ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, નાના વર્ગના લોકોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, આ યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજના અન્વયે પરિવારના સભ્ય દીઠ રૂપિયા પાંચ લાખની સારવાર સહાય આપવામાં આવે છે, જ્યારે ગંગા સ્વરૂપા સહાય યોજના અંતર્ગત માસિક રૂપિયા ૧૨૫૦ની સહાય આપવામાં આવે છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આગામી તારીખ ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
આ પ્રસંગે લીંબડી પ્રાંત અધિકારીશ્રી એચ.એમ. સોલંકી,લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ રાણા, અગ્રણીઓ સર્વ જૈમિનભા, લગધીરભાઇ, નિરૂભા, દિલુભા, સુખભા અને વાઘુભા સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-Trending Gujarat