કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને નિવાસ સ્થાને ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે બેઠક યોજાઇ હતી. તેથી આ બેઠકને પગલે આગામી લોકસભા 2024 ને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભાઇ હોવાનું જણાઇ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક 5 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
બેઠક બાદ મોટા એલાનની શક્યતા
મોડી રાત સુધી ચાલેલી ખૂફિયા બેઠક બાદ હવે મોટા પાયે એલાન થવાની સંભાવના છે. ત્યારે 13 ઓક્ટોમ્બરના CM અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બંને દિલ્હી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યાં મોવડી મંડળ સાથે બેઠક પણ કરી હતી. ત્યારે દિલ્હીની બેઠક બાદ ગુજરાતમાં બેઠક યોજાતાં ફેરફારો થવાના હોવાની લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે.
બેઠકમાં મંત્રી મંડળમાં વિસ્તરણ અને સંગઠનમાં ફેરફાર અંગે ચર્ચા થવાની શક્યતા છે. હવે જો ગુજરાતના રાજકારણમાં અચાનક જ પલટો આવી જવાના એઁધાણ અત્યારના રાજકીય માહોલને જોઇને વર્તાઇ રહ્યા છે. આમ તો અમિત શાહ ગુજરાત આવતાં જ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં વ્યસ્ત થઇ ગયા હતા. પરંતુ તેમની રાજ્યની રાજનિતી પર સંપૂર્ણ નજર છે.
નક્કી રાજકારણમાં રંધાઇ રહી છે ખીચડી
બેઠકને લઇને નવરાત્રીમાં ગુજરાતની રાજનિતીમાં મોટા ફેરફાર થવાના હોય તેમ લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે, 13 ઓક્ટોબરના રોજ CM પટેલ અને પાટીલ બંને દિલ્હી ગયા હતા. જ્યાં મોવડી મંડળ સાથે બેઠક યોજી ને બેઠકના બે દિવસ બાદ અમિત શાહે ગુજરાતમાં બેઠક યોજી ત્યારે રાજકારણમાં કંઇક ખીચડી રંધાઇ રહી હોવાનું લાગી રહ્યું છે.
નવનિયુક્ત મંત્રીઓને ખાતાં ફાળવી દેવાશે?
શુક્રવારે સાંજે દિલ્હી ખાતે બેઠક અને બાદમાં રવિવારે રાત્રે ગુજરાતના ગાંધીનગરમાં બીજી બેઠક. એક બાદ એક બેઠકો નજીકના અંતરમાં જ યોજાતા મંત્રીમંડળનું વિસ્તરણ પણ બહુ જ ઝડપથી થઈ જશે? શું આગામી સમયમાં યોજાનારી કેબિનેટ બેઠકમાં જ નવનિયુક્ત મંત્રીઓને ખાતાં પણ ફાળવી દેવાશે? વગેરે જેવા તર્ક લગાવાઈ રહ્યા છે.
દિલ્હીમાં યોજાઈ હતી બેઠક
અમિત શાહ ગુજરાતમાં આવ્યા હતા તેનાં પહેલાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુખ્યમંત્રીની મોવડીમંડળ સાથે બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
વધુ એક બેઠકથી ગુજરાતનું રાજકારણ ગરમાયું
બેઠક યોજાય એ પહેલાં જ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની તેમજ સંગઠનમાં ફેરફાર થવાની ચર્ચાએ વધારે જોર પકડ્યું હતું, કેમ કે થોડા દિવસ અગાઉ વાઈબ્રન્ટ સમિટ બાબતે દિલ્હીમાં યોજાયેલા રોડ શો બાદ વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી પટેલે મુલાકાત કરી હતી. એ મુલાકાતને શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે માત્ર એક જ સપ્તાહમાં આ ત્રીજી વખત મોવડીમંડળ સાથે વધુ એક બેઠકનું આયોજન થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.