દેશમાં ISISના વધુ ત્રણ આતંકવાદી ઝડપાયા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ISISના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શૈફી અને તેના સાથી રિઝવાન અને અરશદની ધરપકડ કરી છે. શાહનવાઝ જ્યાં રહેતો હતો ત્યાંથી આઈઈડી બનાવવાનો સામાન અને પિસ્તોલ કબજે કરવામાં આવી હતી. આતંકવાદીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ બધા જ તંઝીમ સાથે ઓનલાઈન માધ્યમથી જોડાયેલા હતા. આ લોકોએ ગુજરાતના અમદાવાદમાં પણ રેકી કરી હતી. આતંકી શાહનવાઝે માઇનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને તેણે બસંતી પટેલ નામની હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, બસંતી ધર્મ પરિવર્તન કર્યા બાદ મરિયમ બની ગઈ હતી.
NIAએ આતંકીઓ પર રાખ્યું હતું ઇનામ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી એચ. જી. એસ. ધાલિવાલે જણાવ્યું હતું કે, ગયા મહિને એનઆઈએએ ત્રણ લોકો પર ઇનામ રાખ્યું હતું. તેમાંથી એક આતંકી મોહમ્મદ શાહનવાઝ પણ હતો. તેને જેતપુર દિલ્હી અને અરશદનને મુરાદાબાદ જ્યારે રિઝવાનને લખનઉથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમની પાસેથી હથિયાર અને આઈઈડી બનાવવાનો સામાન અને ઝિહાદી લિટરેચર કબજે કરવામાં આવ્યું હતું.
મોટા બ્લાસ્ટની તૈયારીમાં હતા આતંકવાદીઓ
આતંકી શાહનવાઝ એન્જિનિયરિંગ ભણેલો છે. આ અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપીએ વધુમાં જણાવ્યું હતું કે, આતંકીઓએ પશ્ચિમી અને ઉત્તરી ભારતમાં રેકી કરી હતી. અહીં તેઓ થોડા દિવસ રોકાયા પણ હતા. તેમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા હતા. શાહનવાઝને બ્લાસ્ટ અને ઇન્ટરનેટ અંગે નોલેજ હતું. તેણે બોમ્બ બનાવવા માટે અનેક પ્રયોગ કર્યા હતા. જ્યારે તેની પત્ની મરિયમ હજી પણ ફરાર છે. શાહનવાઝ હજારીબાજનો રહેવાસી છે. જ્યારે આતંકી અરશદ ઝારખંડનો રહેવાસી છે. તો મોહમ્મદ રિઝવાન મૌલાના છે અને તે આઝમગઢ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તેણે કમ્પ્યુટર સાયન્સથી બીટેક કર્યું છે. આ આતંકવાદીઓ મોટો બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા.
એક ચોરીથી થયો ખૂલાસો
ચૌંકાવનારી વાત એ છે કે, પુણે પોલીસે ઇમરાન અને યુસુફ નામના 2 ચોરને બાઈકની ચોરી કરતા ઝડપી પાડ્યા હતા. ત્યારે શાહનવાઝનું નામ સૌથી પહેલા સામે આવ્યું હતું. જોકે, ત્યારે શાહનવાઝ ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં તો પોલીસને લાગ્યું હતું કે, તે નાનોમોટો ચોર છે, પરંતુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ ફક્ત ચોર જ નહીં, પરંતુ ISISના આતંકવાદી છે. તેઓ ત્યાંના સ્લિપર સેલનો પણ ભાગ છે.