આણંદ તા.1
ધર્મજ – વિરસદ રોડ પર ખોડીયારપુરા ચોકડી પર વળાંક પર અચાનક આડી આવેલી મિનીટ્રક પાછળ બાઇક અથડાઇ હતી. જેના કારણે તેના પર સવાર ત્રણ મિત્રને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે વિરસદ પોલીસે મિનિટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
આણંદના બાકરોલ ગામે આવેલા સવિતાનગરમાં રહેતા રૂષભચંદ્રકાંત પટેલ જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ખંભાત ખાતે રહેતો તેનો મિત્ર બિમાર હોવાથી તેની ખબર કાઢવા અન્ય બે મિત્ર કિશન મુકેશભાઈ પાટડિયા (રહે.કરમસદ) અને ભાવેશ ભરતભાઈ પ્રજાપતિ (રહે.બાકરોલ) સાથે બાઇક પર ખંભાત ગયાં હતાં. જ્યાંથી તેઓ 30મી એપ્રિલની બપોરે આણંદ આવવા નિકળ્યાં હતાં. આ સમયે ભાવેશ બાઇક ચલાવતો હતો અને પાછળ રૂષચંદ્ર અને કિશન બેઠાં હતાં. તેઓ વિરસદ – ધર્મજ રોડ પર ખોડીયારપુરા ચોકડી નજીક પહોંચ્યાં તે સમયે ખોડીયારપુરા તરફથી એક મિનિટ્રક પુરપાટ ઝડપે ધસી આવી રોડ ક્રોસ કરી અચાનક બડદલા તરફ આવી ગયું હતુ. જેથી ભાવેશે હોર્ન માર્યો હતો. પરંતુ મિનિટ્રક ચાલકે તેને ધ્યાનમાં લેવાના બદલે પોતાની રીતે મિનિટ્રક ચલાવી વડદલા તરફ જવાના રોડ પર બાજુ પર વાળી દીધી હતી. જેથી બાઇક ધડાકાભેર મિનિટ્રકની પાછળ અથડાયું હતું. જેના કારણે બાઇક સવાર ત્રણેય મિત્રો ગંભીર રીતે ઘવાયાં હતાં. આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને 108ને ફોન કરતાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ત્રણેયને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે ભાવેશને મૃત્યું પામેલો જાહેર કર્યો હતો. આ અંગે વિરસદ પોલીસે મિનિટ્રક નં.જીજે 7 વાય ઝેડ 5756 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.





















