પંચમહાલ જિલ્લામાં “વર્લ્ડ હેરિટેજ સાઇટ” ચાંપાનેર-પાવાગઢ,વડા તળાવ ખાતે પંચમહોત્સવના ચોથા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.ચોથા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને ગાયક રાજભા ગઢવીએ સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કરાઈ હતી,જેમાં ભરત નાટ્યમ અને સ્થાનિક કલાકાર વીજાનંદ તુરી દ્વારા રાવણ હથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ફિલ્મનું LED પર નિદર્શન કરાયું હતું. સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે.
પંચમહોત્સવની બાજુમાં 50 સ્ટોલમાં ક્રાફટ બજાર કાર્યરત છે. જ્યારે જિલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે જિલ્લાના વ્યંજનો, બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરાયો છે.જેનો લોકો મોટી સંખ્યામાં લાભ લઈને ખરીદી કરી રહ્યા છે.
સંગીત સંધ્યા પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા,હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત રાજભા ગઢવીના સંગીતને માણવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.