ગીર સોમનાથ : ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદભવેલ હોય અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડા અને વરસાદ અંગેની આગાહીને અનુલક્ષીને વાવાઝોડા સમયે કઈ કઈ તકેદારી રાખવી અને સ્વબચાવ માટે કેવા પગલા લેવા જોઈએ તે અંગે ગીર સોમનાથ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે
આ સૂચનો અનુસાર વાવાઝોડાની આગાહી માટે રેડિયો, ટી.વી., સમાચારો, જાહેરાતોના સંપર્કમાં રહેવું તેમજ વહીવટી તંત્રની સૂચના અનુસાર માછીમારોએ દરિયામાં જવું નહી, સલામત સ્થળે બોટ લાંગરવી અને દરિયાકાંઠાના માછીમારો અને અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવુ તદુપરાંત ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી
જો જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો તેમજ પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવા. આવા સમયે અફવા ફેલાવશો નહિ. શાંત રહો, ગભરાટ કરશો નહિ
વાવાઝોડા દરમિયાન પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ના રહેવું. અત્યંત અગત્યના કામ સિવાય ઘરની બહાર નીકળવું નહિ. વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા અને ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું
જ્યારે વાવાઝોડા બાદ સૂચનો મળ્યા પછી જ બહાર નીકળવું અને અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહી. વાવાઝોડા બાદ ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા તેમજ કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો. ખુલ્લા – છૂટા પડેલા વાયરોને અડકવું નહિ અને ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તેમજ ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.
માછીમારો માટે ખાસ સૂચનાઓ
હવામાનના અપડેટ્સ માટે રેડિયો સાંભળો અને ટીવી જુઓ ઉપરાંત અખબારો વાંચો. અફવાઓને અવગણવી તેમજ શાંત રહેવું અને ગભરાવું નહીં આ ઉપરાંત આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક સાધવા તમારા મોબાઈલ ફોનને સંપૂર્ણ ચાર્જ કરેલા રાખવા તેમજ SMSનો ઉપયોગ કરો. એક કાગળ પર મહત્વપૂર્ણ સંપર્ક નંબરો લખી રાખો અને તેને સુરક્ષિત જગ્યાએ રાખો. જેથી આપાતકાલીન સમય દરમિયાન ઉપયોગમાં આવે. વધારાની બેટરીઓ સાથે રેડિયો સેટ હાથમાં રાખો. બોટ/રાફ્ટને સુરક્ષિત જગ્યાએ બાંધીને રાખો. વાવાઝોડા સમયે દરિયામાં જવાનું સાહસ ન કરો.