પાટણ : 12 ફેબ્રુઆરી
ડીસા હાઇવે માર્ગ પર થી હરિહર મહાદેવ મંદિર તરફનો માર્ગ ગત ચોમાસામાં બિસ્માર બન્યો હતો. જેને લઇને હરિહર મહાદેવ મંદિરમા આવતા દર્શનાર્થીઓ સહિત હરિહર મુક્તિધામ ખાતે અંતિમ ક્રિયા માટે આવતા લોકોને તેમજ આ વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જે હાલાકી ને દુર કરવા પાટણ નગરપાલિકાના આ વિસ્તારના કોર્પોરેટરોએ આ માગૅના નવિનીકરણ માટે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવણી કરવાની દરખાસ્ત કરી હતી.જેથી નગર પાલિકાએ હાઈવે થી હરિહર મહાદેવ મંદિર સુધીના રોડનું કામ કરવા માટે રૂ. 20 લાખની ગ્રાન્ટ ફાળવી કામગીરી શરૂ કરાવી હતી.જે માર્ગનું કામ પૂર્ણ થતા શનિવારના રોજ પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલના હસ્તે વિધિવત રીતે આ માર્ગને ખુલ્લો મુક્યો હતો.
આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેર નાં મહત્વ નાં ગણાતા હાઈવે થી હરિહર મહાદેવ મંદિર સુધીના માર્ગનું પાલિકા દ્વારા નવીનીકરણ કરવામા આવતાં અહિં દશૅનાથૅ આવતાં ભાવિકો સહિત અંતિમ ક્રિયા માટે આવતા લોકો ની મુશ્કેલી દૂર થઈ છે તો પાલિકા દ્વારા આ નવીન માગૅ કાયૅરત બન્યો છે. ત્યારે આ માગૅથી સિધ્ધપુર હાઈવે, ઉંઝા હાઇવે અને હાસાપુર હાઈવે વિસ્તારને જોડતો માર્ગ પણ પાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે જેની ટેકનિકલ મંજૂરી પણ મળી ગઈ છે.આ માગૅ પણ ટુંક સમયમાં કાયૅરત બનતાં શહેરનાં વિકસીત વિસ્તાર સાથે બાયપાસ રસ્તા તરીકે તેનો લાભ મળશે તેમ જણાવ્યું હતું.
આ લોકાર્પણ કાર્યકમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, આ વિસ્તારના કોર્પોરેટ શૈલેષ પટેલ, જયેશભાઇ પટેલ, સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.