Home દેશ અત્ર-તત્ર સર્વત્ર વરસાદ: સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં જનજીવન...

અત્ર-તત્ર સર્વત્ર વરસાદ: સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ

9
0

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારે વરસાદનો કહેર યથાવત રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન જ ઉમરગામમાં 7.20 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે અગાઉ કુલ વરસાદ 35.67 ઈંચ સુધી પહોંચી ગયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ માત્ર બે કલાકમાં 5.12 ઈંચ વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

વાપીના અવધ ટુંકવાડા, પટેલવાડી સહિતના પોશ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નવસારી જિલ્લાના ખેરગામમાં અંદાજે અઢી ઈંચ અને ભરૂચ જિલ્લામાં 2.28 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર બે કલાકના ગાળામાં જ 108 તાલુકાઓમાં વરસાદ નોંધાતા વરસાદી માહોલ જામ્યો હતો.

ઉપરવાસમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે. પૂર્ણા નદીનું જળસ્તર 22 ફૂટ સુધી પહોંચી ગયું છે, જે તેની ભયજનક સપાટી 23 ફૂટથી માત્ર એક ફૂટ નીચે છે. અંબિકા નદી 29 ફૂટની ભયજનક સપાટીને અડી ગઈ છે, જ્યારે કાવેરી નદી 22 ફૂટે વહેતી હોવાથી તેની ભયજનક સપાટી 19 ફૂટથી ઉપર વહી રહી છે.

નવસારી શહેર, બીલીમોરા સહિતના વિસ્તારોમાં અંદાજે એક લાખથી વધુ લોકો પૂર જેવી સ્થિતિથી પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે. વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

બીજી તરફ દાદરા અને નગર હવેલીના ખાનવેલ વિસ્તાર હેઠળ આવેલા તલાવલી ગામમાં પૂરના પાણીમાં ચાર લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ 06 બટાલિયન NDRFની ટીમે મધરાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ ચારેય વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢીને જિલ્લા વહીવટી તંત્રને સોંપ્યા હતા.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here