ગુજરાતમાં હાલ પૂરતો વરસાદે બ્રેક લીધો છે. ત્યારે રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ છે. ત્યારે ચોમાસાનો આ બીજો રાઉન્ડ પહેલા કરતા પણ વધુ ખતરનાક હશે. 6 અને 7 જુલાઈએ ફરીથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ સાથે જ 7 જુલાઈએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આજે અને આવતીકાલે ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે. તો આજે આગાહી મુજબ, સુરત અને ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે. સોમવારના આંકડાની વાત કરીએ તો, રાજ્યના 44 તાલુકામં વરસાદ વરસ્યો છે. ત્યારે રાજકોટના જેતપુરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે.હાલમાં પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ તાપમાનમાં કોઈ વધારો નહી થાય. પરંતુ વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર રહો.
હવામાન વિભાગ દ્વારા 7 જુલાઇના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને, સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારો પર ચોમાસાની જમાવટ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં વસલાડ, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે સુરત અને તાપીમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉપરાંત આગામી 4, 5 અને 6 જુલાઇએ માછીમારો માટે ચેતવણી રહેશે. આ દરમિયાન વરસાદ સાથે ભારે પવન ફૂંકાઇ શકે છે.