મળતી માહિતી મુજબ અમદાવાદના નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ સંક્રમિત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. જોકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિયન્ટના દુનિયાની અંદર જે કેસો જોવા મળે છે એની સરખામણીએ ભારતમાં 2300 જેટલા કેસ છે. ગુજરાતમાં આજે કોરોનાનો એક કેસ અને અગાઉના 12 એટલે 13 કેસ છે. હકીકતમાં ઓક્ટોબર મહિનાની અંદર પણ 20 કેસ નોંધાયેલા છે. આમ, છેલ્લા છ મહિનાની એવરેજ જોઈએ તો એક અઠવાડિયામાં 4-5-7 કેસ આવતા હતા. આજસુધીમાં વેરિયન્ટ માઇલ્ડ છે, જેનાથી કોઈનું મૃત્યુ થયું નથી.
કોરોના અંગે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટેની તાકીદ પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે ગુજરાતમાં 13થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5700થી વધુ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં કોવિડની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર વ્યવસ્થા, તૈયારીઓ, બફર સ્ટોકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઇ છે. હાલ રાજ્યમાં નોંધાતા કોરોના પોઝિટિવ કેસમાં તેમનું જિનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ગત રોજ અમદાવાદના જોધપુર, પાલડી અને ઘાટલોડિયામાં કેસ નોંધાયા હતા. આ સાત લોકોમાં 4 મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તમામનાં સેમ્પલ જિનોમ સિક્વસિંગ માટે મોકલવામાં આવ્યાં હતા.