Home આણંદ આણંદમાં અક્ષય તૃતિયના દિવસે સમુહ લગ્નમાં 33 બાળલગ્નો અટકાવાયાં

આણંદમાં અક્ષય તૃતિયના દિવસે સમુહ લગ્નમાં 33 બાળલગ્નો અટકાવાયાં

જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા ૩૩ બાળલગ્નો અટકાવાયા

169
0

આણંદ તા.26

આણંદ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા વિવિધ ટીમ બનાવી અક્ષય તૃતિયના દિવસે યોજાનારા સમુહ લગ્નમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 33 જેટલા જોડામાં બાળ લગ્ન હોવાનું જણાયું હતું. કેટલાક કિસ્સામાં કન્યાની ઉંમર 18થી નીચે હતી, તો કેટલાકમાં વરની ઉંમર 21 વર્ષથી નીચે હતી. આથી, તમામ બાળલગ્ન અટકાવી આયોજકો પાસે લેખિતમાં બાહેધરી લેવામાં આવી હતી.

આણંદ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા પોલીસ વિભાગના સહયોગથી જિલ્લાના તમામ તાલુકાઓ માટે બનાવેલી કુલ આઠ ટીમો દ્વારા અક્ષય તૃતિયાના દિવસે સાત સમુહ લગ્નમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તમામ સમૂહ લગ્નોમાં જોડાઓની ઉંમરની ખરાઈ અને ચકાસણી દરમિયાન કુલ 33 જેટલા જોડાઓમાં છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી હોવાનું જાણવા મળતા આણંદ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા તમામ 33 લગ્નોને અટકાવવામાં આવ્યા હતા.

આણંદ જિલ્લામાં અક્ષય તૃતિયના શુભ મુર્હૂતમાં અનેક સ્થળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આયોજકોને કાયદાની પૂરતી જાણકારીના અભાવે 18 વર્ષથી વધુ વયના છોકરા અને છોકરીના લગ્ન કરાવી શકાય છે તેવી ગેરસમજ ને દૂર કરતાં બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 કાયદાની જોગવાઈ મુજબ છોકરીની ઉંમર 18 અને છોકરાની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી હોય તો એવા લગ્નોને બાળલગ્ન કહેવાય છે તેમ જણાવી તમામ સમુહ લગ્નના આયોજકો અને સમુહ લગ્નમાં હાજર તમામ લોકોને કાયદાની વિસ્તૃત સમજણ આપીને ભવિષ્યમાં આ બાબતે તકેદારી રાખવા જણાવવામાં આવ્યુ હતું.

આ દરમિયાન સમૂહ લગ્નમાં ઉપસ્થિત દરેક પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવી હતી અને ભવિષ્યમાં સમુહ લગ્નના આયોજકો, સમુહ લગ્નમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ બાળકના વાલી અથવા બાળકનો હવાલો ધરાવનાર વ્યક્તિ, લગ્નવિધિ કરાવનાર, લગ્નમાં ભાગ લેનાર, મંડપ ડેકોરેશન કરનાર, કેટરીંગ સેવા આપનાર તમામને સમુહ લગ્નના આયોજન કરતા સમયે છોકરી અને છોકરાની  ઉંમરની ખરાઈ કરવાનું જણાવાયું હોવાનું આણંદના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here