ગીર સોમનાથ : 4 માર્ચ
બજેટમાં જોડીયા શહેરને તેની ઐતિહાસીક ઓળખ ફરી અપાવવા અને અર્વાચીન નગરી બનાવવા માટે નિષ્ણાંતોની સલાહકાર સમિતીની રચના કરવાની નકકી કરાયુ
બેઠકના અંતે કોંગ્રેસના સભ્યોએ રણનીતી મુજબ ન જેવા મુદાને લઇ પ્રજાને ગેરમાર્ગે દોરવા હોબાળા મચાવ્યાનો પાલીકા પ્રમુખએ આક્ષેપ કર્યો
ચોપાટી પર હાઇમાસ્ટ ટાવર ઉભો કરી 30 મીટરની ઉંચાઇએ રાષ્ટ્રીય ધ્વજ લગાડવાનું કામ મંજુર કરાયુ
બજેટ બેઠકમાં શાસકપક્ષનું વિપક્ષના સભ્યો પ્રત્યે આરમાયુ વર્તન હોવાને લઇ તથા વિકાસકામો ન થતા હોવાનો વિપક્ષીનેતાએ આક્ષેપ કર્યો.
વેરાવળ-સોમનાથ નગરપાલીકાની બજેટ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોના વિરોધ વચ્ચે પાલીકાનું વર્ષ 2022-23 નું ચૂ.82 કરોડનું કદનું અને 29 કરોડના વિકાસ કામોની જોગવાઇ ઘરાવતા વિકાસલક્ષી બજેટને સતાઘારી ભાજપના સભ્યોએ બહુમતીએ મંજૂર કરી પસાર કરી દીઘુ હતુ. પુર્ણાહુતિ સમયે કોંગી નગરસેવીકના પતિદેવએ બેઠકની અંદર આવી બાંધકામ શાખાના અધિકારીઓને ઘમકાવી આક્ષેપ કરી હોબાળો કરતા પ્રમુખએ બજેટ બેઠકને પુર્ણ જાહેર કરી દીઘી હતી. જેને લઇ કોંગ્રસના સભ્યોએ સભાખંડમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
આજે સાંજે પાલીકાના સભાખંડમાં બજેટ બેઠક મળી હતી. જેમાં સતાઘારી ભાજપના 25 અને કોંગ્રેસના 11 મળી 36 સભ્યો હાજર રહેલ જયારે બંન્ને પક્ષના 8 સભ્યો ગેરહાજર રહયા હતા. બેઠકમાં પ્રથમ યુક્રેનમાં ભારતીય વિઘાર્થીના મૃત્યુ અંગે મિનીટનું મૌન પાડી શ્રઘ્ઘાજંલી આપવામાં આવી હતી. ત્યારબાદ આગામી વર્ષ 2022-23 નુ બજેટ રજુ કરવામાં આવેલ હતુ. જેને વિપક્ષ કોંગ્રેસના સભ્યોના શાબ્દીક વિરોઘ વચ્ચે સતાઘારી ભાજપના સભ્યોએ બહુમતિના જોરે મંજૂરી આપી પસાર કર્યુ હતુ. બજેટ પર ચર્ચામાં સતાપક્ષ તરફથી તમામ વોર્ડની જરૂરીયાતોને ઘ્યાને રાખી રૂ.29 કરોડના વિકાસ કામો કરવાની સાથે જરૂરી ખર્ચાઓની જોગવાઇ કરવામાં આવી છે. તો કોંગ્રેસના સભ્યોએ પ્રાથમીક સુવિઘાના અને વિકાસના કામો ન થતો હોવાનું જણાવી વિરોઘ કર્યો હતો. બેઠકના અંતે એક મુદાને લઇ કોંગ્રેસના સભ્યોએ હોબાળો શરૂ કરતા પ્રમુખએ પુર્ણ જાહેર કરી દીઘી હતી જેને સભાખંડમાં વિપક્ષએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
હોબાળા અંગે પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડીએ જણાવેલ કે, બજેટ બેઠકમાં અગાઉથી સભ્યો સિવાય કોઇના પ્રવેશ પર પ્રતિબંઘ મુકવામાં આવેલ હોવા છતાં કોંગ્રેસના એક મહિલા નગરસેવીકના પતિ ચાલુ બેઠકમાં અંદર પ્રવેશી બાંધકામ શાખાના અધિકારીઓને પર જાહેરમાં આક્ષેપ કરી ઘમકાવા લાગેલ જેથી તેને બહાર નિકળી જવા આદેશ કરેલ હતો. આ મુદાને લઇ કોંગ્રેસના સભ્યોએ નાટક શરૂ કરી હોબાળો કર્યો હતો. અમોએ સભ્યને નહીં ફકત તેમના પતિને બહાર જવા કહયુ હતુ. બેઠકમાં થયેલ વાસ્તવીક વાતને ભટકાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસના સભ્યોએ કર્યુ હોય જેને અમે વખોડીએ છીએ.
આજના બજેટમાં વિકાસ કામો અંગે પાલીકા પ્રમુખ પીયુષ ફોફંડીએ જણાવેલ કે, આગામી વર્ષમાં શહેરમાં વિકાસના કામો માટે 29 કરોડની જોગવાઇ કરી છે. જેમાં ચોપાટી ફેઝ – 2 ની કામગીરી કરવી. ચોપાટીમાં હાઇમાસ્ટ ટાવર ઉભો કરી 30 મીટરની ઉંચાઇએ રાષ્ટ્રીય ધ્વજ લગાડવાનું કામ મંજુર કરાયુ છે. સોમનાથની ભુમિ હરી અને હરના સંગમ તરીકે પ્રખ્યાત છે ત્યારે જોડીયા શહેરને તેની ઐતિહાસીક ઓળખ ફરી અપાવવા અને અર્વાચીન નગરી બનાવવા માટે ઉચ્ચ કક્ષાના નિષ્ણાંતોની સલાહકાર સમિતીની રચના કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના પ્રવેશદ્રાર પર દેવકા નદીના પટ પર રીવરફ્રન્ટ બનાવવા તથા ભીડીયા ચોપાટીનો વિકાસ કરવા માટે રાજય સરકારને દરખાસ્ત કરવાનું નકકી કરવામાં આવેલ છે.
આજના ઘટનાક્રમ અંગે વિપક્ષીના નેતા ગુલામખાનએ જણાવેલ કે, બજેટની ચર્ચા દરમ્યાન ભાજપના સભ્યએ ગેરવર્તન કરેલ ઉપરાંત શાસકપક્ષનું વર્તન વિપક્ષ પ્રત્યે આરમાયુ હતુ. છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસના સભ્યોના એકપણ કામો શાસકોએ કર્યા નથી. ખાસ કોંગ્રેસના વોર્ડ નં.2, 5 અને 6 માં અગાઉની બોડીમાં મંજૂર થયેલા કામો જ થયા છે જયારે નવી બોડીએ એક પણ કામ કર્યુ ન હોવાનો આક્ષેપ કર્યો હતો. શાસકોના વર્તનના વિરોઘ અને વિકાસ કામો ન થવાને લઇ બજેટનો અમોએ વિરોઘ કરેલ હતો.
આજની બજેટ બેઠકમાં ચીફ ઓફીસર ચેતન ડુડીયા, કારોબારી ચેરમેન નિલેશભાઇ વિઠલાણી, પવડી ચેરમેન બાદલ હુંબલ, ટીપી ચેરમેન જયેશ માલમડી, સેનીટેશન ચેરમેન કિશન જેઠવા, સેક્રેટરી દિગંત દવે સહિત પાલીકાના અઘિકારીઓ હાજર રહયા હતા.