સોમનાથ : 22 માર્ચ
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ભારતમાં કલા અને સાહિત્યનું સંવર્ધન કરનારી “સંસ્કાર ભારતી” સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે પ્રભાતોત્સવના નામથી સંસ્કૃતિ અને કલા પ્રસ્તુત કરી પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી. ચૈત્ર માસની એકમ એટલેકે પ્રતિપદાથી હિન્દુ વર્ષનો પ્રારંભ થતો હોય છે. ત્યારે ભારતના અનેકવિધ રાજ્યની વૈવિધ્યસભર સંસ્કૃતિ સોમનાથના શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમાર, સહિત ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાહુલ ગમારા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ તકે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબ દ્વારા મનુષ્ય જીવનની અંદર કલા અને સંસ્કૃતિના મહત્વ વિશે ઉદબોધન કરવામાં આવ્યું હતું. સાથે ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલે કલા વિહીન મનુષ્યનું જીવન નિરાશ બની રહે છે એમ કલા ની અનિવાર્યતા વિશે તેઓએ સૌને માહિતી આપી હતી.
સંસ્કાર ભારતીના નિપુણ કલાકારો દ્વારા લોકસંગીત, લોક નૃત્ય, ભાતીગળ રાસ ગરબા, દક્ષિણ ભારતના શાસ્ત્રીય નૃત્યો જેવા કે કથક, કુચીપુડી, ભરતનાટ્યમ સહિત લોકસાહિત્ય અને શાસ્ત્રીય સંગીતની કલાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. 225 થી વધુ કલાકારો દ્વારા પોતાની કલાકૃતિ રૂપી ભક્તિથી સોમનાથ મહાદેવ અને શ્રીકૃષ્ણનો ભક્તિ અભિષેક કરવામાં આવ્યો હતો.
ફાગણવદ અમાવસ્યાના સૂર્યાસ્તથી શરૂ થયેલ પ્રભાસોત્સવ સ્વરૂપી કલા સાધના ચૈત્રી પ્રતિપદા ના સૂર્યોદય સુધી અવિરત ચાલુ રહી હતી. વહેલી સવારે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સૂર્યના પેહલા કિરણના વધામણા કરીને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.