વિદ્યાર્થીઓએ સંસદીય પદ્ધતિ પ્રમાણે રાષ્ટ્ર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાઓ કરી
યુવાનોમાં સંસદીય પ્રક્રિયાઓ પ્રત્યે સમજ વિકસે અને લોકશાહી પ્રત્યે જાગૃતિ આવે એવા ઉદેશ્ય સાથે ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલયના સહયોગથી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 29 માર્ચના રોજ 17મી નેશનલ યુથ પાર્લામેન્ટ (ગ્રુપ લેવલ સ્પર્ધા)નું આયોજન જ્ઞાનોદય, પરીક્ષા ભવન સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગોના 55 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પેનલમાં પેનલિસ્ટ તરીકે આણંદના સાંસદ શ્રી મીતેશભાઈ પટેલ, ૧૭મી રાષ્ટ્રીય યુવા સંસદના ગ્રુપ કોઓર્ડિનેટર ડૉ. દિનેશ અરોરા અને વિષય નિષ્ણાંત તરીકે નલિની કોલેજના આચાર્ય ડૉ. બી. એમ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ, કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ, કાર્યક્રમના સંયોજક ડૉ. અર્પિત પાટડિયા, વિવિધ વિભગોના વડાશ્રીઓ, પ્રાદ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ યુથ પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર સંબંધિત વિવિધ મુદ્દાઓ જેમ કે એક રાષ્ટ્ર એક ચૂંટણી, યુનિફોર્મ સિવિલ કોડ, (UCC), પ્રદૂષણ, ડેટા પ્રોટેક્શન જેવાં વિષયો પર સંસદીય પદ્ધતિ પ્રમાણે ચર્ચા અને તર્કવિતર્કો કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સંસદીય લોકશાહીની તરેહની સમજણ મેળવી હતી.
સાંસદ મીતેશ પટેલે વિદ્યાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે આ યુથ પાર્લામેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને લોક તાંત્રિક મૂલ્યોને સમજવાનો અવસર પ્રાપ્ત થયો છે.
વધુમાં તેમણે વિદ્યાર્થીઓ ને કહ્યું હતું કે આપ સૌ ભારતના ભાવિ સાંસદો છો અને પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આ મહત્વનું પગલું સાબિત થશે.કાર્યક્રમની આભાર વિધિ સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના અધ્યાપક અને નેશનલ યુથ પાર્લામેન્ટના કોઓર્ડિનેટર ડૉ. અર્પિત પાટડિયાએ કરી હતી.