આણંદના વિદ્યાનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં જોબ કરતાં 60 વર્ષીય વ્યક્તિ સાથે બીટકોઈનના નામે રૂપિયા 87.15 લાખની છેતરપિંડી કરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સાઈબર ક્રાઈમે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગય એવી છે કે, વિદ્યાનગર ઈસ્કોન મંદિર સ્થિત બંસી એવન્યુ ધોબીઘાટ પાસે રવિન્દ્રભાઈ ક્ષીરસાગર ખાનગી કંપનીમાં બિઝનેસ હેડ તરીકે હાલ ફરજ બજાવે છે. ગત ફેબ્રુઆરીમાં તેમણે બીટકોઈનથી સંપતિ સર્જન કરી શકાય તેવી માહિતી મેળવી હતી. દરમિયાન, ઈન્ટરનેટ પર સર્ચ કરતા એક વેબસાઈટના કસ્ટમર કેર થકી એક મહિલાએ તેમનો સંપર્ક સાધ્યો હતો.
દરમિયાન, મહિલાએ તેમને બીટકોઈન વિશે માહિતી આપી હતી અને તેમને ટેલિગ્રામ ચેનલ મારફતે તેમની સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. બીજી તરફ મહિલાની વાતચીતમાં આવેલા રવિન્દ્રભાઈએ પ્રથમ રૂપિયા 50 હજારનું રોકાણ કર્યું હતું. બાદમાં મહિલાએ તેમની પાસે રૂપિયા 1 લાખ રોકાણ કરાવ્યા હતા. જે તેમના એકાઉન્ટમાં બતાવતા હતા. બીજી તરફ ગત 12 એપ્રિલના રોજ તેમણે 30 ડોલર વીથડ્રો કર્યા હતા. જે તેમના બેંક ખાતામાં જમા થયા હતા. બાદમાં તેમણે બીજા પૈસા તેમના ભાઈ અને મિત્રો પાસેથી ઉછીના લઈને બીટકોઈનમાં રોક્યા હતા. આમ, અલગ-અલગ સમયમાં તેમણે એક પછી એક રૂપિયા 87.15 લાખનું રોકાણ કર્યું હતું. દરમિયાન, ગત 6ઠ્ઠી મેના રોજ તેણે 70 હજાર ડોલર વિથડ્રો કરવા પ્રયાસ કર્યો હતો.
પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. જેને પગલે તેમણે કસ્ટમર કેરમાં વાતચીત કરી હતી. જેમાં તેમને 49588.2 ડોલરનો ટેક્સ ભરવા જણાવ્યું હતું. જોકે, તેમણે ટેક્સ તેમના જમા રકમમાંથી કાપવા કહ્યું હતું. પરંતુ કસ્ટમર કેરના અધિકારીઓ દ્વારા તેમણે ટેક્સ નહીં ભરે તો એકાઉન્ટ બંધ થઈ જશે તેમ કહ્યું હતું. આમ, તેમણે ટેક્સ ન ભરતા તેમનું એકાઉન્ટ બંધ થઈ ગયું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે આ મામલે આણંદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.