ચોમાસા દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે જોવા મળતી વીજળી સેકન્ડોમાં આપણી આંખ સામે ફ્લેશની જેમ ચમકીને ગાયબ થઇ જાય છે. આ દરમિયાન ઘણી જગ્યાઓ પર વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે આપણામાંથી મોટા ભાગના લોકોમાં આ સવાલ થતો હશે કે આકાશમાં ચમકારા કરતી વીજળી આખરે ઉત્પન્ન કઇ રીતે થાય છે. ચાલો જાણીએ કઇ રીતે વિજળી ઉત્પન્ન થાય છે….
આપણે જાણીએ છીએ કે આકાશમાં રહેલા વાદળો જમીનમાં રહેલા પાણીના બાષ્પિભવનની પ્રક્રિયાથી બનતા હોય છે અને તે બાષ્પ આકાશમાં બરફમાં ફેરવાઇ જાય છે. આ બરફના વાદળોના બે પ્રકારો હોય છે. જેમાં ધન અને ઋણ હોય છે. જ્યારે આ બંને વાદળો એકબીજાના સંપર્કમાં આવે છે, તો વાદળો વચ્ચે ભીષણ ધ્વનિ પેદા થાય છે, જેને આપણે ગર્જના કહીએ છીએ. જ્યારે આ વાદળો એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે એક ખૂબ તેજ પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેનો અવાજ હોતો નથી. ટૂંકમાં સમજીએ તો વાદળાઓમાં સર્જાતા ઋણ વિદ્યુતભાર(-) અને ધન વિદ્યુતભાર(+)ના કારણે વીજળી પેદા થાય છે.
આકાશમાં વિજળી પડે ત્યારે ઘણાં લોકોને ડર લાગતો હોય છે. આકાશમાંથી વિજળી પડવાથી ઘણા લોકોના મુત્યુ થાય છે. ત્યારે એવા સવાલ લોકોને સામે આવતા હોય છે કે કેવા વિસ્તારોમાં વિજળી પડવાની સંભાવના હોય છે. આકાશમાંથી સૌથી વધુ વીજળી લાઇટના મોટા મોટા થાંભલાઓ અને ખુલ્લા મેદાનમાં પડે છે. આનું કારણે એ છે આ વીજળીનું પ્રમાણ એટલું ખતરનાક હોય છે કે, જમીન પર એટલે કે ખુલ્લી જગ્યાએ જમીનના ઘર્ષણના કારણે તે નીચે ખેંચાતી હોય છે. વીજળીના એક કડાકામાં લગભગ 100 મિલિયન વોલ્ટ્સ અથવા તેનાથી પણ વધુ વોલ્ટ્સની શક્તિ હોય છે. આટલી પ્રચંડ વીજળી જે વિસ્તારમાં પડે ત્યાં ઊંડો ખાડો પડી જાય છે અને ત્યાં કોઇ માણસ ,પશુ કે વૃક્ષ હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં તેનું નામનિશાન મટી જાય છે. 2019ના રિપોર્ટ પ્રમાણે, વીજળી પડવાને કારણે સૌથી વધારે મૃત્યુ બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં થાય છે.
વીજળી પડવા પર ક્યારે કેટલું જોખમ
અમેરિકાની નેશનલ વેધર સર્વિસનું કહેવું છે કે, આકાશી વીજળી માણસને અનેક રીતે નુક્સાન કરી શકે છે. જોકે આવા કિસ્સાઓ ઓછા હોય છે પરંતુ તે જોખમકારક હોય છે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઈ વ્યક્તિ ખુલ્લાં મેદાનમાં હોય. આ કેસમાં મોટા ભાગે મૃત્યુ થતું હોય છે.
બીજી સ્થિતિમાં વીજળી પડવા પર તેની ગરમીથી ચામડી બળી જાય છે. કરન્ટ લાગવા પર શરીરને જે અસર થાય આ તેના જેવું જ છે. વરસાદ દરમિયાન ઘણા લોકો વૃક્ષોની નીચે અથવા મકાનની છતની નીચે ઊભા રહી જાય છે. આવા લોકોને આકાશીય વીજળીથી જોખમ રહે છે.
દેશના પ્રથમ એન્યુઅલ લાઈટનિંગ રિપોર્ટ 2019-20ના જણાવ્યા પ્રમાણે, આકાશીય વીજળી પડવા પર સૌથી વધારે કેસ ત્યારે જોવામાં આવ્યા જ્યારે વરસાદથી બચવા માટે વ્યક્તિ વૃક્ષ નીચે ઊભો હોય. ભારતમાં 71% આવા જ કેસ હોય છે. 25% કેસમાં સીધા આકાશમાંથી વીજળી પડવા પર મૃત્યુ થાય છે. 4% કેસમાં વ્યક્તિ સીધી રીતે તેનાથી પ્રભાવિત થયેલા હોતા નથી.
NWSના ડેટા પ્રમાણે, કરન્ટ ફેલાયલો હોય તેવી જમીન પર વીજળી પડવા પર મૃત્યુ અને ઈજાગ્રસ્ત થવાનું જોખમ વધારે હોય છે. આવું એટલા માટે બને છે કારણ કે જમીનમાં રહેલો કરન્ટ મોટા ક્ષેત્રમાં ફેલાયેલો હોય છે. જમીનના સહારે દૂર સુધી તેની અસર જોવા મળે છે.
વીજળીથી પોતાની જાતને કેવી રીતે બચાવશો
NWSના જણાવ્યા પ્રમાણે, આકાશીય વીજળીથી બચવા માટે કોઈ સુરક્ષિત જગ્યા નથી. તો પણ સારું રહેશે કે ઘરની અંદર રહેવામાં આવે. વીજળીના અવાજ સાંભળતાં જ ઘરની અંદર જતા રહો.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, આકાશમાં વીજળી ગરજતી હોય ત્યારે મેટલ, મેટાલિક પાઈપ, ઈલેક્ટ્રિકલ સિસ્ટમ, ટીવી અથવા કેબલ વાયર અને પાણીનો સ્પર્શ કરવો નહિ. તેનાથી જોખમ વધે છે કારણ કે તે કન્ડક્ટર (સુવાહક) તરીકે કામ કરે છે.
ક્યારેય પણ જમીન પર ન સૂઓ, કારણ કે જમીન પર કરન્ટ ઝડપથી ફેલાય છે. આમ થવા પર વીજળી પડવાનું જોખમ વધી જાય છે. બને ત્યાં સુધી સીધી રીતે જમીનના સંપર્કથી દૂર રહો.
પોતાના હાથ કાન પર રાખી દો જેથી વાદળો ગરજવાનો અવાજ તમને પરેશાન ન કરે. પગની એડી જોડેલી રાખો. આમ કરવા પર કરન્ટનું જોખમ ઓછું થઈ શકે છે.