બિપરજોય વવાઝોડાના મહાસંકટમાંથી રાજ્ય સકુશળ બહાર આવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર વતી પ્રવાસન તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવને શીશ નમાાવ્યું હતું.
સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી મંત્રીએ સોમનાથ મહાદેવને શીશ નમાવીને રાજ્ય સરકારને સમગ્ર રાજ્યના લોકોનું રક્ષણ કરવા સામર્થ્ય પ્રદાન કરવા બદલ સોમનાથ મહાદેવ પ્રત્યે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી હતી. ત્યારે આજરોજ જેઠ માસની માસિક શિવરાત્રી હોવાથી સોમનાથ મંદિરની પ્રણાલીકા અનુસાર યોજાયેલ જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તેમજ ટ્રસ્ટ પરિવાર સાથે મંત્રી જ્યોત પૂજામાં જોડાયા હતા.
બિપરજોય વાવાઝોડા અને તેની આડ અસરોને ધ્યાને લઈને સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, ગીતા મંદિર, શ્રીરામ મંદિર, ત્રિવેણી સંગમ, શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે તા.15 તથા તા.16 બે દિવસ માટે બંધ રાખવામાં આવેલ હતા. વાવાઝોડાની અસરો પૂર્ણતાના આરે છે ત્યારે જોખમ ઘટતા 17 જૂન એટલે આજથી દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તેમના નિયત સમયે ખુલશે અને યાત્રીઓ દર્શન-પૂજન કરી શકશે..