(પ્રતિનિધિ) આણંદ તા.5
આણંદના વઘાસી ગામે જેસીબીના ચાલકે એક કબર તોડી ખોદી નાંખી હતી. આથી, ગામના યુવકે પોતાના દાદાની કબર તોડી નાખવા બદલ લાગણી દુભાતા જેસીબીના ચાલક સહિત બે શખસ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
વઘાસી ગામમાં નવાપુરા ઇન્દીરાનગરીમાં રહેતા મહેશભાઈ રમણભાઈ ડીલીવરી બોય તરીકે ફરજ બજાવે છે. નવાપુરા ઇન્દીરાનગરીમાં તેમના સમાજનું સ્મશાન આવેલું છે. જેમાં તેમના દાદા મણીભાઈ શંકરભાઈ ચાર વર્ષ પહેલા અવસાન પામતા દફનવિધિ કરી કબર બનાવી હતી. જેની મહેશભાઈ વાર તહેવારે પૂજા કરતાં હતાં. આ સ્મશાન પાસે મુકેશ સુરેશભાઈ સોલંકીનું મકાન આવેલું છે. દરમિયાનમાં 4થી એપ્રિલના રોજ મહેશ નોકરી પર હતો તે સમયે તેમના દાદા મણીભાઈની કબર તોડી નાંખી હતી. આથી, મહેશ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જોયું તો મુકેશ ત્યાં હાજર હતો. જેથી તેમને કબર કેમ તોડી નાંખી છે ? તેમ કહેતા તેણે માત્ર ખુણો થોડો તુટી જતાં મેં તોડાવી નાંખી છે. તેવો ઉધ્ધત જવાબ આપ્યો હતો. આ ઉપરાંત જેસીબીના ડ્રાઇવર પ્રકાશને પુછતા તેણે પણ મુકેશના કહેવાથી તોડી નાંખી હોવાનું જવાબ આપ્યો હતો. આ જેસીબી ગામના જ મફત ભરવાડનું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મહેશ રમણભાઈની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે મુકેશ સુરેશ સોલંકી અને જેસીબીના ચાલક પ્રકાશ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.