પાટણ : 24 ફેબ્રુઆરી
ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ કરવા વિદેશમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ જતા હોય છે, ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં ફસાયા છે. યુક્રેનમાં પાટણના 30થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. જેથી વાલીઓ ચિંતીત બન્યા છે.અને તેઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત ગુજરાતમાં પરત લાવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત વાલીઓએ ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરી હતી.
રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યો છે. જેમાં લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા પાટણના વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મૂકાયા છે. યુક્રેનના કીવ, ટર્નોપીલ, ઓડીસા, વીનીસીયા અને ખારકીવ સહિતના અલગ અલગ રાજ્યોમાં પાટણના 30થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે.
આ અંગે તમામ વાલીઓએ ભેગા મળીને પોતાના બાળકો પરત લાવવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ધારાસભ્ય કિરીટ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા રજૂઆત કરી છે.