હોકી એ આપણા દેશની રાષ્ટ્રીય રમત છે અને તેમાં દેશના ખેલાડીઓ અદ્ભૂત પ્રદર્શન કરે છે, પછી તે સિનિયર મહિલા હોય કે પુરુષ ટીમ હોય કે જુનિયર મેન્સ-વુમન્સ હોય. ત્યારે તાજેતરમાં જ જુનિયર મેન્સ હોકી એશિયા કપ 2023ની ફાઈનલમાં ભારતીય ટીમે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને પછાડી ફાઈનલમાં શાનદાર જીત મેળવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, 23 મેથી 1 જૂન વચ્ચે ઓમાનમાં 10 ટીમો વચ્ચે મેન્સ જૂનિયર હોકી એશિયા કપ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય હોકી ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ગુરુવારે એશિયા કપની ફાઇનલમાં ભારતીય હોકી ટીમનો પાકિસ્તાન સાથે જોરદાર રોમાંચક જંગ ખેલાયો હતો.
ગુરુવારે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 2-1થી જોરદાર જીત પોતાને નામે કરી હતી. 8 વર્ષ બાદ યોજાયેલા મેન્સ જુનિયર હોકી કપની આ મેચ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ ભારત ચાર વખત જુનિયર હોકી ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની છે.