Home આણંદ મૂંગા પશુઓની સારવાર માટે ડોકટર બનવાની સાથે વ્યક્તિ એન્ટરપ્રેન્યોર બને તે જરૂરી...

મૂંગા પશુઓની સારવાર માટે ડોકટર બનવાની સાથે વ્યક્તિ એન્ટરપ્રેન્યોર બને તે જરૂરી છે:કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા

234
0

આણંદ: 9 જાન્યુઆરી


આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે પશુ ચિકિત્સા અને સારવાર માટેના લઘુતમ પ્રમાણો અને નીતિનિયમો નિયત કરવા સંબધિત પશ્ચિમ વિભાગની યોજાયેલ બેઠકના બીજા દિવસે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે, આજે પણ પશુઓને તકલીફ થાય ત્યારે પશુપાલકો દ્વારા અંધશ્રધ્ધા દાખવવામાં આવતી હોય છે, આથી પશુઓને યોગ્ય સારવાર આપવાની સાથે પશુપાલકોને તેમના પશુઓના આરોગ્ય બાબતે સાચી સલાહ મળી રહે તે પણ અત્યંત જરૂરી છે. આ માટે વેટરનરી ડોક્ટર બનેલા વ્યક્તિ એ માત્ર ડૉક્ટર જ નહીં પરંતુ એક સારા એન્ટરપ્રેન્યોર બને તે આજના સમયની માંગ છે.

દેશમાં હરિત અને શ્વેત ક્રાંતિ પછી હાલમાં પેસ્ટીસાઈડ્સના ઓછામાં ઓછાં ઉપયોગ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેમણે રાષ્ટ્રના અર્થતંત્રમાં ગૌધનને મહત્વ આપવામાં આવ્યું હતું. તેથી એને કામધેનુ નામ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.મંત્રીએ સહકાર ક્ષેત્રે અમૂલના પ્રદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે, અમૂલ દ્વારા રોજનું અઢી કરોડ લીટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે. અમૂલના માધ્યમથી ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રમાં પ્રતિદિન ૧૨૫ કરોડ રૂપિયા પહોંચે છે.

મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે, દેશમાં દૂધ ઉત્પાદનમાં વધારો થાય અને ગાય ભેંસ સહિતના દુધાળા પશુઓની ઉત્તમ ઓલાદો આપણને પ્રાપ્ત થાય તે આજના સમયની માગ છે જેને ધ્યાને લઇ આપણે પશુ ચિકિત્સા ક્ષેત્રે સમય સાથે પરિવર્તન લાવવું પડશે. અને આ માટે આ ક્ષેત્રે સાથે જોડાયેલ લોકો જ રાષ્ટ્રમાં ફરીથી ઘી – દૂધની નદીઓ વહેતી કરી શકે તેમ છે.કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા એ આ તકે મૂંગા પશુઓના આંખના આંસુ લૂછીએ, તેની સારવાર સેવાને નગણ્ય ન સમજી તેની સેવાને સૌભાગ્ય માનવા વિદ્યાર્થીઓને અપીલ કરી.

આ પ્રસંગે સાંસદ મીતેશ પટેલે જણાવ્યુ કે, ભારત સરકાર દ્વારા પશુઓના આરોગ્ય અને કલ્યાણ માટે સંશોધન સહિતના કાર્ય કરવામાં આવી રહ્યા છે. આ માટે વિવિધ પશુ ચિકિત્સા નિષ્ણાત સહિતના તજજ્ઞો સમગ્ર દેશમાં પ્રવાસ કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પશુ ચિકિત્સા ક્ષેત્રે નવી પોલિસી પણ બનાવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. મહત્વનું છે કે, આ પ્રસંગે આણંદના સંસદસભ્ય મીતેશ પટેલે તેમની સાંસદ નિધિમાંથી કામધેનુ યુનિવર્સિટીને પશુપાલન, વેટનરી હસબન્ડરીમાં એમ્બ્યુલન્સ વાન ખરીદી માટે રૂપિયા ૧૮,૪૭,૧૫૫ નો ચેક અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ એન. એચ. કેલાવાલા, વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ
ડૉ ઉમેશ ચંદ્ર શર્મા, એન.ડી.ડી.બી.ના ચેરમેન મીનેશ શાહ, એનીમલ હસબન્ડરીના ડાયરેક્ટર અને ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડૉ ફાલ્ગુનીબેન ઠાકર કમિટીના ચેરમેન ડૉ. હોના ગોપાલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં ફેકલ્ટીના આચાર્ય ડૉ. મનોજ બ્રહ્મભટ્ટએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. તેમણે કહ્યુ કે, સમગ્ર દેશમાં પશુચિકિત્સા માટે નીતિનિયમો કે માર્ગદર્શન નથી, આથી આ નીતિનિયમોનું ઘડતર થાય, પશુચિકિત્સામાં સાધનનો ઉપયોગ સહિતની બાબતો વિશે ચર્ચા થાય અને સમગ્ર રાષ્ટ્રમાં તે અમલી બને તે આજની બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ માટે વિવિધ પશુચિકિત્સક, નિષ્ણાંતોના મંતવ્ય અને વિચારો ઉપયોગી નીવડશે.

આ બેઠકમાં રાજ્ય પશુચિકિત્સા કાઉન્સિલ, રાજ્ય પશુચિકિત્સા સંગઠનો અને પશુચિકિત્સા સારવાર સાથે જોડાવા માટેના લઘુતમ પ્રમાણો અને નીતિનિયમો નિયત કરવા સંબધિત સ્ટેક હોલ્ડર્સ, રાજસ્થાન, ગોવા, મધ્યપ્રદેશ, દાદરાનગર હવેલી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પશુચિકિત્સા સાથે સંકળાયેલ અધિકારીઓ પદાધિકારીઓ અને પશુ ચિકિત્સા અભ્યાસુઓ સહિતના લોકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here