આણંદ: ૧૮ જાન્યુઆરી
ભાલેજ ગામે 15 વિઘા જેટલી જમીન પચાવી પાડવા મૃતક ભાઇની દિકરી હોવા છતાં તેને નિઃસંતાન દર્શાવી તેનું નામ કમી કરાવી દીધું હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ અંગે દિકરીની માતાએ જેઠ સહિત ચાર શખસ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના કૈલાસફાર્મ ખાતે રહેતા મનિષાબહેન પટેલના પ્રથમ લગ્ન ભાલેજ ગામે રહેતા રાજેન્દ્રકુમાર અંબાલાલ પટેલ સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને મિનલ નામની દિકરીનો જન્મ પણ થયો હતો. જોકે, 1993ના ગાળામાં રાજેન્દ્રકુમારનું અવસાન થતાં મનિષાબહેને જયપ્રકાશ પટેલ સાથે પુનઃ લગ્ન કર્યાં હતાં. બીજી તરફ રાજેન્દ્રકુમારના મોટાભાઈ અરવિંદ અંબાલાલ પટેલ દ્વારા ખોટા સોગંદનામા, પેઢીનામા બનાવ્યાં હતાં. જેમાં રાજેન્દ્રકુમારને દિકરી મીનલ હોવા છતાં તેમને અપરણિત તથા નિર્વંશ બતાવી ગ્રામ પંચાયત, મામલતદારની કચેરીમાં રજુ કરી જમીનના રેકર્ડ પરથી નામ કઢાવી નાંખ્યું હતું.
આ બાબતે આશરે 15 વિઘા જેટલી જમીન બાબતે બોગસ દસ્તાવેજ બનાવ્યાં હોવાનું મનિષાબહેનના ધ્યાને આવતાં તેઓએ ભાલેજ પોલીસ મથકે જેઠ અરવિંદ અંબાલાલ પટેલ, જીતેન્દ્ર મણીલાલ પટેલ, હરિશ રાવજી પટેલ, પંકજ ઇશ્વર પટેલ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.