બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, બોલુવુડના દિગ્ગઝ અભિનેત્રી સુલોચના લાટકરે 94 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે લાંબા સમયથી બિમાર હતા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમના અવસાનથી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અમિતાભ બચ્ચનની ઓનસ્ક્રીન માતા તરીકે જાણીતી અભિનેત્રી સુલોચના લાટકરનું નિધન થયું છે. 94 વર્ષીય સુલોચના લાટકરે પોતાનું મોટાભાગનું જીવન સિનેમાને સમર્પિત કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને છેલ્લા ઘણા સમયથી અસ્થમાની સમસ્યા વધી હતી. સુલોચનાએ હિન્દી અને મરાઠી સહિત 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. સુલોચના લાટકરે મુંબઈના દાદરની સુશ્રુષા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે 6 મેના રોજ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. જે બાદ શિવાજી સ્ટેડિયમમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સુલોચના લટકરે અભિનયની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું. તેમના નિધનના સમાચાર બહાર આવતા જ બોલિવૂડ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. લોકો અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી દઈએ કે, સુલોચના લાટકરે બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું, તેમણે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. આ સાથે તેણે રાજેશ ખન્ના અને દિલીપ કુમાર જેવા મોટા સ્ટાર્સ સાથે પણ સ્ક્રીન શેર કરી હતી.