સિનેમા જગતમાંથી દુ:ખના સમાચાર સામે આવ્યા છે. જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઇએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, નીતિન દેસાઇએ કર્જતના એનડી સ્ટૂડિયોમાં ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું છે. જો કે, આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે. નીતિન દેસાઇએ અચાનક આવું કરુણ પગલું ભરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
નીતિન દેસાઈએ કેટલીય બ્લોક બ્લાસ્ટર ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. જેમાં હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, લગાન, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયોનો સમાવેશ થાય છે. નીતિન દેસાઇને ચાર વખત સર્વશ્રેષ્ઠ કલા-કથનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. કર્જતના MLA મહેશ બાલડીએ નિતિન દેસાઇની આત્મહત્યા કેસ મામલે મોટું નિવેદન આપ્યું હતું. મહેશ બાલડીએ કહ્યું હતું કે, ‘નિતિન દેસાઇએ પૈસાની તંગીથી કંટાળીને આત્મહત્યા કરી છે.’ વધુમાં મહેશ બાલડીએ કહ્યું કે, ‘નિતિન દેસાઇ મારા મત વિસ્તારમાં આવતા હતા. તેઓ ઘણા દિવસથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા. આર્થિક તંગીથી હારીને આખરે નિતિન દેસાઇએ મોતને ગળે લગાવ્યું’. મહત્વનું છે કે, નીતિન દેસાઈ પર થોડા દિવસ પહેલા 51 લાખની છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો.