ગોધરા:૮ જાન્યુઆરી
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોની સંખ્યાને ધ્યાને લઈ જિલ્લાના પ્રભારીમંત્રી અને, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આજે જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે કોરોના સંક્રમણની સ્થિતિ અને ત્રીજી લહેરનો સામનો કરવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની વિગતવાર માહિતી મેળવતા સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીહતી. જિલ્લા પ્રભારીમંત્રી સઘન સર્વેલન્સ ઝડપી અને વ્યાપક ટેસ્ટિંગ, અસરકારક ટ્રેસિંગ, આઈસોલેશન-ક્વોરેન્ટાઈનનાં ચુસ્ત અમલ, પ્રજાકીય જાગરૂકતા અને સક્રિય ભાગીદારી, સામાજિક-ધાર્મિક આગેવાનો-સંસ્થાઓનાં સહયોગ અને સંકલનની મદદથી સંભવિત ત્રીજી લહેરને ખાળવાની વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો.
ગૃહ નિર્માણ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે કોરોના સંક્રમણના કેસો જે વિસ્તારોમાંથી મળી રહ્યા છે તે વિસ્તારોમાં ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પૂરતા પ્રમાણમાં થાય, લોકો જાગરૂક થઈ સ્વૈચ્છિક રીતે આઈસોલેસનનું પાલન કરે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. આ વિસ્તારોમાં ધન્વન્તરી રથો મારફતે રોગ પ્રતિકારક શક્તિવર્ધક આર્યુવેદિક ઉકાળા-હોમિયોપેથિક દવાઓનાં વિતરણ સહિતની કામગીરી અંગે પણ પ્રભારીમંત્રી સૂચના આપી હતી. જિલ્લામાં કોવિડ રસીકરણની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કરતા કેબિનેટમંત્રી જણાવ્યું હતું કે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા અને તેનાં પરિણામે ઉભી થઈ શકતી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સક્ષમ અને સુસજ્જ છે. દ્વિતીય લહેરની પીક સમયે આવી રહેલા કેસો, સક્રિય કેસો, બેડ અને ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૃતીય લહેરનો સામનો કરવા માટે પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રજાની સ્વયંશિસ્ત અને દરેક નાગરિકનો સહયોગ જ સંક્રમણની ગતિને ધીમી પાડવામાં સૌથી વધુ અસરકારક સાબિત થશે તેમ જણાવતા જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝરનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીએ જિલ્લામાં નવા કોરોના કેસોની સંખ્યા, સક્રિય કેસોની સંખ્યા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને સ્થિતિ, પોઝિટિવિટી રેટ, કેસો વધવાનો દર, વધુ કેસ ધરાવતા વિસ્તારો, સર્વેલન્સ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, હોમ આઈસોલેશન, ક્વોરેન્ટાઇન સંદર્ભે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણ પાસેથી મેળવી હતી. કોરોના સંક્રમણની દ્વિતીય લહેરની સરખામણીએ ત્રીજી લહેરના સમયે સંભવિત દૈનિક કેસો, મહત્તમ સક્રિય કેસોની સંખ્યા, ઓક્સિજન બેડ અને ઓક્સિજનની જરૂરિયાત, આઈસીયુ અને વેન્ટિલેટર્સની સંભવિત જરૂરિયાત, દવાઓ, ટેસ્ટિંગ કીટ્સ, ડોક્ટર્સ-નર્સીસ-પેરામેડિકલ સ્ટાફ સહિતનાં માનવ સંસાધનો સહિતની પૂર્વ તૈયારીઓ અને વ્યવસ્થાપન મુદ્દે પણ વિગતવાર માહિતી મેળવતા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લામાં પીક સમયે ઓક્સિજનનાં સંભવિત મહત્તમ દૈનિક વપરાશ, તેની સામે કરવામાં આવેલું આયોજન, ઓક્સિજન સ્ટોરેજની સુવિધાઓ, જિલ્લામાં સ્થાપવામાં આવેલા પીએસએ પ્લાન્ટની સ્થિતિ, ઓક્સિજન કોન્સર્નટેટ્રર્સની સુવિધાઓ અંગે પણ સૂક્ષ્મ વિગતો મેળવી હતી. મંત્રી સમીક્ષા બેઠક બાદ સિવિલ હોસ્પિટલ, ગોધરાની રૂબરૂ મુલાકાત લઈ પીએસએ પ્લાન્ટ તેમજ અન્ય સુવિધાઓનું જાત નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. તેમણે કોરોનાની ત્રીજી લહેરને જરા પણ હળવાશથી ન લેવા અંગે પ્રજામાં જાગરૂકતા ફેલાવવા, તેઓ માસ્ક- સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કોરોના સામે સાવચેતીના પગલાઓનું અનુસરણ કરે તે માટે સામાજિક-ધાર્મિક આગેવાનો, અગ્રણીઓના સહયોગ અને સંકલનથી કામગીરી કરવા માટેનું આયોજન કરવા નિર્દેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તૃતીય લહેરને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દૈનિક ધોરણે 500થી વધુ નવા કેસો આવે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 1600થી વધુ ઓક્સિજન બેડ્સ, 80થી વધુ આઈસીયુ બેડ્સ, દૈનિક ધોરણે 4 હજારથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ્સની વ્યવસ્થા, દૈનિક 24 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય સહિતની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ સમીક્ષા બેઠક અને મુલાકાત સમયે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, સીડીએચઓ ડો. મિનાક્ષી ચૌહાણ, સિવિલ સર્જન ડો. મોના પંડ્યા સહિતનાં આરોગ્ય વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.