આ વર્ષે બે શ્રાવણ માસ છે તેમ કહી શકાય. અત્યારે ચાલી રહ્યો છે અધિક શ્રાવણ અને બાદ આવશે શ્રાવણ માસ. ત્યારે દેવભૂમિ દ્વારકામાં આ વખતે બે જન્માષ્ટમી ઉજવવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે આજે 8 ઓગસ્ટે દ્વારકાધીશના મંદિરે અધિક માસની જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે.
હજારો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા દ્વારકા મંદિરે આજે અધિક જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ ભગવાને સવારે ખુલ્લા પડદે સ્નાન કર્યું હતું. ત્યારે ભાવિકો માટે પણ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરે 1 થી 5 વાગ્યા સુધી જગત મંદિર બંધ રહેશે તો સાંજે 5 થી 9 નો નિત્યક્રમ રહેશે. ત્યારે 9 થી 12 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. તો રાત્રે 12 વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે આરતી દર્શન સાથે 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતીય પરંપરામાં માસની ગણતરી 15 દિવસ વહેલી થતી હોય છે. ત્યાં હાલ શ્રાવણના વદ પક્ષનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે હવે 17 ઓગસ્ટના રોજથી નિજ શ્રાવણ માસનો પ્રારંભ થશે.