સુરેન્દ્રનગર : 8 ફેબ્રુઆરી
મહિલાઓમાં રોસ
સુરેન્દ્રનગરનાં વોર્ડ-5માં આવેલા માનવ મંદિર આજુબાજુના વિસ્તારમાં દસ દિવસથી પાણી ન મળતા મહિલાઓએ નગરપાલીકા કચેરીએ ઘસી જઈને રજૂઆત સાથે હંગામો મચાવ્યો હતો. અને ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી આપી હતી.
સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં શિયાળા દરમિયાન જ પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. વોર્ડ-5માં આવેલી માનવ મંદિર પાસેના વિસ્તારમાં રહેતા પાંચસોથી પરિવારોને દસ દિવસથી પીવાનું પાણી નહીં મળતા હેરાન-પરેશાન થતી મહિલાઓ રજુઆત કરવા નગરપાલીકા કચેરીએ ઘસી આવી હતી. જયાં મહિલાઓને ચીફ ઓફિસરની ચેમ્બરમાં જવા ન દેેતા રોષની લાગણી ફેલાઈ હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, માનવ મંદિર વિસ્તારમાં પાણીની મેઈન લાઈનો વારંવાર તુટી જતા પાણી વિતરણ ઠપ્પ થઈ જાય છે.
ટેન્કરના રૂા.350 થી 490 ખર્ચવા છતાં લોકોને સમયસર પાણી મળતું નથી. આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી ન થાય અને માનવમંદિર વિસ્તારમાં નિયમીત પાણી વિતરણની વ્યવસ્થા ન ગોઠવાય તો મહિલાઓએ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હોવાનું જાણવા મળે છે.