રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ધ્રોલ લોહાણા મહાજન વાડી ખાતે કુપોષિત બાળકોને મિલેટ્સ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ધ્રોલ તાલુકા સહિત સમગ્ર દેશમાં આગામી તા.30 સપ્ટેમ્બર સુધી પોષણ માસ અભિયાન 2023 અભિયાન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રીના પરિવાર દ્વારા ધ્રોલ તાલુકાના લાભાર્થીઓને ઘરે બેઠા 1 વર્ષ સુધી મીલેટ્સ અને અન્ય સાધન સામગ્રી ધરાવતી પોષણ કિટ્સ મોકલવામાં આવશે.
કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, દરેક બાળક સ્વસ્થ રહે, સગર્ભા બહેનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવા, પોષણ કીટ વિતરણ અને રસીકરણ કાર્યક્રમ જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પોષણ માસ દરમિયાન દરેક વાલી પોતાની રીતે જાગૃત બને અને તેમના બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે માટે દૈનિક આહારમાં પોષણ તત્વોથી ભરપૂર મિલેટસની વાનગી આપે તે જરૂરી છે.
કાર્યક્રમની શરૂઆતમાં, ધ્રોલ ICDS ઘટક દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છના બદલે પોષક તત્વોથી ભરપૂર મિલેટસ પોષણ કીટ આપીને સ્વાગત કરવાની નવીન પરંપરા શરૂ કરાઈ હતી. મિલેટસ કીટમાં ખજૂર, કોપરું, દાળિયા, શીંગદાણા, દૂધ, રાગીના લાડુ, રાગીનાં બિસ્કીટસ તેમજ અન્ય પોષણ તત્વોથી ભરપૂર વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે રાઘવજી પટેલે તમામ લાભાર્થીઓને તેમના બાળકો માટે પોષણ કીટનો નિયમિતપણે ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે પંચ પોષણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગની ટીમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મેડીકલ ટીમ દ્વારા લાભાર્થીઓને સ્થળ પર પોષણ કીટના ઉપયોગ, બાળકોનું હેલ્થ ચેકઅપ અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ સમારોહમાં, ધારાસભ્ય મેઘજી ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા પી. જાડેજા, ધ્રોલ પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા, ધ્રોલ મામલતદાર એ.એસ.ચાવડા, ધ્રોલ CDPO ડો. નર્મદા ઠોરિયા, વાલીઓ, લાભાર્થીઓ, આંગણવાડી કાર્યકરો, ધ્રોલ ICDS ઘટકના કર્મચારીગણ તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.