કચ્છ : 3 માર્ચ
” વિજ્ઞાન એ જ્ઞાન કરતા થોડું વધુ વિચારવાની રીત છે.” બાળકોમાં આ કોઈ પણ મુદ્દા પર વધુ વિચાર કરવાની ટેવ જીવનના પ્રારંભના તબક્કાથી જ શરૂ થાય તે હેતુસર રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે 28 ફેબ્રુઆરી 2022ના રોજ ચાણક્ય એકેડેમી ખાતે ધોરણ 10 તથા 11 વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન દિનની ઉજવણી અનેરા પ્રયાસ દ્વારા કરવામાં આવી હતી. ઉજવણીના પ્રારંભે બાળકોને આર્ટિફિશિયલ રોકેટ સાયન્સની સમજ લાઈવ મોડેલ દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના જુદા-જુદા ધોરણના વિદ્યાર્થીઓને તેમની વય અનુસાર અલગ અલગ થીમ પર પ્રયોગો રજુ કરી તેના તથ્યોની સમજૂતી આપવામાં આવી હતી.
જેમકે ધોરણ 1થી 3ના વિદ્યાર્થીઓને મેજીક સાયન્સ, ધોરણ 4 થી 6ના વિદ્યાર્થીઓને તેમના પાઠ્યપુસ્તક આધારિત પ્રયોગો તથા ધોરણ 7 થી 9ના વિદ્યાર્થીઓને સ્પેસ થીમ પર પ્રયોગોની સાર્દશ રજૂઆત તથા સમજૂતી દ્વારા તેમની વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ધોરણ 10 તથા 11ના વિદ્યાર્થીઓને એકેડેમીના વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો ફાલ્ગુનીબા જાડેજા તથા મિતુ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના આ સફળ પ્રયાસને એકેડમીના ચેરમેનશ્રી વાડીલાલભાઈ સાવલા, વાઈસ ચેરમેનશ્રી સંદિપભાઈ દોશી,મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પંકજભાઈ મહેતા તથા સી.ઈ.ઓ. મેહવીશ મેમણ અને શાળાના આચાર્યા કવિતા બારમેડા દ્વારા બિરદાવવામાં આવેલ હતું.