ખંભાત તાલુકાના ગોલાણા ગામમાં દિવેલાના ખેતરમાં ચોરી કરવા ઘુસેલા સાત શખસને ખેતર માલીકે પડકાર્યાં હતાં. જોકે, તેઓ ભાગી જતાં તેમનો પીછો કર્યો હતો. જેમાં ચાર પકડાઇ ગયાં હતાં. જ્યારે ત્રણ મહિલા અંધારાનો લાભ લઇ ભાગી ગઇ હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે સાતેય શખસ સામે ગુનો નોંધ્યો હતો.
ગાંધીનગરના માણસાના વતની અને ગોલાણા ગામમાં રહેતાં શીલ્પાબહેન પ્રવિણભાઈ ગુર્જર છેલ્લા કેટલાક સમયથી ભાગીદારીમાં પ્રતિક અરવિંદભાઈ સંઘવીની 700 વિઘા જમીનમાં ખેતી કામ કરે છે. તેઓએ 700 વિઘા પૈકી 300 વિઘા જમીનમાં દિવેલાનો પાક કર્યો છે અને છેલ્લા બે અઢી મહિનાથી દિવેલાની ચોરી થતી હોવાનું જણાયું હતું. આથી, બે વોચમેન બહાદુરભાઈ બેલદાર અને મનુભાઈ ભરવાડને દિવેલા ચોરી અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું કે, દરમિયાનમાં પ્રવિણભાઈ ગુર્જર અને રેમચોભાઈ ચૌધરી ખેતરમાં ગાડી લઇ ચક્કર મારી રહ્યાં હતાં, તે વખતે કેટલાક શખસ ખેતરમાંથી ઉભા દિવેલા લેતા દેખાયાં હતાં. જેથી તેઓએ ગાડી ઉભી રાખી તેમને પડકાર્યાં હતાં. જેથી ગભરાયેલા આ શખસોમાં ત્રણ સ્ત્રી અને ચારેક છોકરાઓ દિવેલાના પોટલા લઇ ભાગ્યાં હતાં. જેથી તેમને પાછળ દોટ મુકી હતી. જેમાં ચાર છોકરાઓ પકડાઇ ગયાં હતાં અને તેમની પાસેથી ખેતરમાંથી ચોરેલા દિવેલા અંદાજે 100 કિલો કિંમત રૂ.સાત હજાર મળી આવ્યાં હતાં. આ અંગે પુછપરછ કરતાં તે રણજીત રમેશ દેવીપુજક, ઘનશ્યામ ઇશ્વર દેવીપુજક, વિપુલ વિક્રમ દેવીપુજક, ગોપાલ ભરત દેવીપુજક હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભાગી ગયેલી ત્રણ સ્ત્રી ઉલ્લાસબહેન ઉર્ફે હુલાસબહેન કવા દેવીપુજક, બચુબહેન વિનુ દેવીપુજક, મંજુબહેન વિક્રમ દેવીપુજક હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા ચારેય યુવકને ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઇ ગયાં હતાં. જ્યાં ફરિયાદ આપતા પોલીસે સાતેય જણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.