કાલોલ : 13 જાન્યુઆરી
#લોકો ઇચ્છી રહ્યા છે કે મકરસંક્રાંતિના પર્વ સાથે સાથે મોંઘવારીમાંથી સોંઘવારીની સંક્રાંતિ આવે
કાલોલ શહેર અને તાલુકામાં શનિવારે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પાછલા બે ત્રણ દિવસોથી પતંગ દોરાઓનું બજાર તેજીમાં જોવા મળ્યુ છે. આકાશીયુધ્ધના તહેવાર ટાણે કાલોલ શહેર, વેજલપુર, અડાદરાથી સણસોલી સહિત ઉતરાયણ પૂર્વ લઈને બાળકો, યુવાનો, યુવતીઓ સહિતના પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેથી કાલોલના મુખ્ય બજારો અને માર્ગો પર ઠેરઠેર પતંગો અને ફિરકાઓના સ્ટોલ ઉભા થયેલ જોવા મળ્યા છે.
કાલોલમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આકાશીયુધ્ધના રસિયાઓ માટે બજાર રંગબેરંગી પતંગ-દોરાઓથી છવાયું છે, તદ્ઉપરાંત વિવિધ પ્રકારના ફુગ્ગા, પીપુળા, ટોપીઓ અને ચશ્માની ખરીદીમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. જેથી તહેવારની પુર્વ તૈયારીઓ અંતર્ગત બુધવારે પતંગ રસિયાઓએ ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. મકરસંક્રાંતિ એ પતંગ રસિયાઓ માટે લોકપ્રિય તહેવાર હોવાથી તહેવાર ઉજવવા માટે બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ ફુટી નીકળ્યો હતો. જેથી ખાસ કરીને યુવાધન અને બાળકોએ ઉતરાયણ માટે આકાશી યુદ્ધની તૈયારીઓની સાથે અલગ-અલગ રંગોની, અલગ-અલગ પ્રકારની કલાત્મક ડિઝાઈન વાળી, ફિલ્મી કલાકારો અને કાર્ટુનવાળી રંગબેરંગી પતંગોએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. તદ્ઉપરાંત પતંગો સાથે વિવિધ પ્રકારના પીપુડા, વાજા, ચશ્મા, ટોપીઓ, માસ્ક વગેરે આકર્ષણથી બજારો ધમધમી ઉઠયા હતા.
જોકે સમયની સંક્રાંતિ સાથે હવે મકરસંક્રાંતિ પર્વ માત્ર પતંગ દોરી પુરતું સિમિત રહ્યું નથી, હવે પતંગ દોરી સાથે છત પર મ્યુઝિક સિસ્ટમ, ઉંધીયું જલેબી સાથે ખાણીપીણીની વિવિધ આઈટમો અને આતશબાજીનું પણ બજેટ ફાળવવામાં આવે છે તેથી પતંગ દોરી પર ખેંચ અને ખાણીપીણી માટે ઢીલ જેવો માહોલ વર્તાઇ રહ્યો છે