કાલોલ : 4 જાન્યુઆરી
કાલોલ તાલુકાના વ્યાસડા અર્થક્ષેમ સેવા સહકારી મંડળીના ખેડૂતોએ બુધવારે ખેડા ગામે નવા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને આવકારીને ફડચામાં ગયેલી સહકારી મંડળીના દેવામાફી અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં ખેડૂતોની રજુઆત અનુસાર વ્યાસડા અર્થક્ષેમ સેવા સહકારી મંડળી સહિત સુરેલી, ચોરાડુંગરી, અડાદરા, કાનોડ, વેજલપુર, ચાંચપુર અને હરકુંડી મળીને આઠ જેટલી સેવા સહકારી મંડળીઓને વર્ષ ૨૦૦૮ના તત્કાલીન સમયે કેન્દ્ર સરકારે નાના અને સીમાંત ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની યોજના હેઠળ ઉપરોક્ત આઠ મંડળીઓના ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતોની વ્યાખ્યામાં આવતા હોવા છતાં પણ જવાબદાર એવી પંચમહાલ ડિસ્ટ્રીકટ બેંક દ્વારા મોટા ખેડૂતોની કેટેગરીમાં રાખીને દેવા માફીથી બાકાત રાખીને ખેડૂતોને અન્યાય થયો હોવાની રજૂઆત કરી હતી.
જેથી તત્કાલીન સમયે દેવા માફીથી વંચિત રહેલી સેવા સહકારી મંડળીના ખેડૂતોએ પંચમહાલ ડિસ્ટ્રીકટ બેંકના તકરાર નિવારણ અધિકારી સમક્ષ પણ રજુઆત કરતા તકરાર નિવારણ અધિકારી દ્વારા પણ તમામ મંડળીના ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો હોવાથી દેવા માફીને પાત્ર હોવાનું જણાવ્યું હતું. તદ્ઉપરાંત સહકારી મંડળીઓએ ગુજરાત હાઇકોર્ટ સુધી લડત લડતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ આ ખેડૂતોની દેવા માફી અંગે પુનઃ સમીક્ષા કરવી જોઈએ તેમ છતાં પાછલા દશ બાર વર્ષોથી ઉપરોક્ત સહકારી મંડળીઓના ખેડૂતો દેવા માફીની યોજનાથી વંચિત રહી જતાં તાજેતરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ યોગ્ય રાહે સત્વરે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.