કાલોલ : 21 ડિસેમ્બર
કાલોલ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવા બજારમાં પાછલા ઘણા વર્ષોથી શાકભાજી અને ફળફળાદિની લારીઓના જમાવડાને કારણે ટ્રાફિક અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની જવા પામ્યો છે. જે અંગે સ્થાનિક પાલિકાતંત્રની ઉદાસિનતાએ સ્થિતિ વકરતી પણ જોવા મળે છે જે અનુસંધાને નવા ચૂંટાયેલા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે બુધવારે બપોરના સુમારે સ્થાનિક પોલીસે એકશનમાં આવીને ત્રાટકતા નવા બજારમાં ટ્રાફિકને નડતરરૂપ એવી ફળફળાદીની ચાર લારીઓને ડિટેઈન કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, બુધવારે બપોરના સુમારે સ્થાનિક પોલીસે હાથ ધરેલી કાર્યવાહીને પગલે લારીધારકોમાં ફડફડાટ વ્યાપી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેરમાં બસ સ્ટેશન સ્થિત હાઇવેથી ભાથીજી મંદિર સુધીના બજારમાં શાકભાજી અને ફળફળાદિની લારીઓને કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ રહી છે જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવારનવારની તકલીફોથી ત્રાહિમામ પોકારી ઉઠે છે ત્યારે વરસના વચલા દહાડે પોલીસ એકાદ છાપો મારીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે તેમ છતાં પોલીસ કાર્યવાહીને અંતે બીજા દિવસે સ્થિતિ જૈસે થે જોવા મળે એવો ધારો પડી ગયો છે ત્યારે બુધવારે કરેલી પોલીસ કાર્યવાહીને પગલે સુધારો થશે કે પછી સમસ્યા યથાવત રહેશે એ આગામી દિવસોમાં જ જાણી શકાશે.