આણંદ: સ્વચ્છતા અને મચ્છર નિયંત્રણ માટે આરોગ્ય ટીમોની સખત કાર્યવાહી, 1.13 લાખના દંડ ની વસૂલાત
આણંદ: આણંદ મહાનગરપાલિકા ના આરોગ્ય અને મેલેરિયા વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સ્થિત બેકરી અને તવા ફ્રાય-ચાઇનીઝ ફૂડ યુનિટ્સ પર આકસ્મિક તપાસ કરી. આ તપાસ દરમિયાન સ્વચ્છતાના ધોરણોનું ઉલ્લંઘન અને મચ્છરોની ઉત્પત્તિ માટેની અનુકૂળ પરિસ્થિતિઓ જોવા મળતાં કુલ 1.13 લાખ રૂપિયાની દંડ રકમ વસૂલ કરવામાં આવી છે.
બેકરી યુનિટ્સ પર સખત કાર્યવાહી
મનપાની આરોગ્ય ટીમે આજે કૃષ્ણા બેકરી, હરીશ બેકરી, ન્યુ લ-મી બેકરી, એ વન બેકરી, સિલ્વર સુપર બેકરી અને સદાશિવ બેકરી સહિતની ઘણી બેકરીઓની તપાસ કરી. આ દરમિયાન સ્વચ્છતા સંબંધિત ગંભીર ખામીઓ જાહેર થતાં આ બધી યુનિટ્સ પર 1.05 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો.
મેલેરિયા ટીમે ફૂડ સ્ટોલ્સ પર લીધી કાર્યવાહી
મનપાના મેલેરિયા નિયંત્રણ વિભાગે ક્રિસન્ટ રેસ્ટોરન્ટ, બોમ્બે બિરયાની, ઇમરાન તવા ફ્રાય એન્ડ ચાઇનીઝ, મોહમ્મદ ફૈઝાન, બબલુભાઇ ફૂડ સેન્ટર અને ઇમરાન અન્સારીના ફૂડ આઉટલેટ્સની તપાસ કરી. અહીં ખરાબ સ્વચ્છતા, મચ્છરોના પ્રજનન માટેની અનુકૂળ પરિસ્થિતિઓ અને આરોગ્ય ધોરણોનું પાલન ન થતાં 8,800 રૂપિયાની દંડ રકમ વસૂલ કરવામાં આવી.
અધિકારીઓની ચેતવણી
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, “ખાદ્ય પદાર્થોના સ્થળોએ સ્વચ્છતા અને મચ્છર નિયંત્રણનાં ધોરણોનું પાલન ફરજિયાત છે. જો કોઈ પણ યુનિટ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમને ભારે દંડ અથવા બંધની કાર્યવાહીનો સામનો કરવો પડશે.”
આ તપાસો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સતત ચાલુ રહેશે અને જનસાધારણને સ્વચ્છતા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જાગૃત કરવામાં આવશે.