આણંદ સહિત ભરૂચ, વડોદરા, સુરત પંથકમાં ઉપરા છાપરી ઇક્કો ગાડીના સાયલેન્સર ચોરી કરી હાહાકાર મચાવનારી ધોળકાની ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગના માસ્ટર માઇન્ડને પોલીસે પકડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ ગેંગના ભાગેડુ પાંચ સભ્યોને પકડવા ચક્રોગતિમાન કર્યાં છે.
આણંદ સહિત મધ્ય ગુજરાતમાં ઇક્કો ગાડીના સાયલેન્સરની ચોરીએ કાળોકેર વર્તાવ્યો હતો. આ અંગે આણંદ સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા વિવિધ ટીમ બનાવી તપાસના ચક્રોગતિમાન કર્યાં હતાં. દરમિયાનમાં આ ગેંગનો માસ્ટર માઇન્ડ ધોળકાનો મુનાવર ઉર્ફે મુન્નો શેખ હોવાનું જાણવા મળ્યું હતું. આથી, આણંદ એલસીબીની ટીમને તેને પકડવા તપાસ હાથ ધરી હતી. જેમાં મુનાવર ઉર્ફે મુન્નો કારમાં વઘાસી બ્રીજથી પસાર થઇ રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસની ટીમે વોચ ગોઠવી તેને કાર નં.જીજે 1 કેડી 5133 સાથે પકડી પાડ્યો હતો. એલસીબીએ તેની સઘન પુછપરછ કરતાં તે મુનાવર ઉર્ફે મુન્નો અબ્દુલગફાર શેખ (રહે. ધોળકા) હોવાનું અને પોતાના અન્ય પાંચ સાથીદારો સાથે તે સાયલેન્સર ચોરી કરતો હોવાની કબુલાત કરી હતી. આથી, તેની અટક કરી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં આગવી ઢબે પુછપરછ કરતાં 18 સાયલેન્સરની ચોરી કબુલાત કરી હતી. આ ઉપરાંત તે 19 જેટલા ગુનામાં વોન્ટેડ હતો.
આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ જણાવ્યું હતું કે, મુન્નો તેના સાગરીત સાથ મેટાલીક ગ્રે કલરની ઇન્ડીકા ગાડી લઇ જે વિસ્તારમાં ચોરી કરવાની હોય તેના સ્થાની સગા સંબંધીની મદદથી તેને આર્થીક પ્રલોભન આપી રાત્રિના સમયે નજીક નજીકના વિસ્તારમાંથી ઇક્કો ગાડીના સાયલેન્સરની ચોરી કરી અવાવરૂ જગ્યાએ જઇ સાયલેન્સરમાં આવતું કન્વર્ટર કાઢી લઇ બીજી વખત ચોરી કરવા જાય ત્યારે કન્વર્ટર વગરના સાયલેન્સરો સાથે રાખી તે સાયલેન્સર ચોરી કરેલા સાયલેન્સરવાળી ગાડીમાં ફિટ કરી દેતાં હતાં. આ ચોરીમાં તેની સાથે વિજય સવજી ઠાકોર ઉર્ફે ચામડી ર્ફે સલીમ (રહે. અમદાવાદ), મુલ્લા શેખ (રહે.દાણી લીમડા, અમદાવાદ), રઇશ શેખ, મકસુદ સુબામીયા દિવાન (રહે.ધોળકા) અને ઇનાયત ઉર્ફે બબલુ રહેમતશા દિવાન (રહે.વડોદ) હોવાનું કબુલ્યું હતું. આ તમામને પકડી પાડવા પોલીસે વિવિધ ટીમને દોડતી કરી છે. જ્યારે વધુ પુછપરછ માટે મુન્નાના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.