આણંદ શહેરમાં માથાભારે શખસે ઓવરટેક કરવાના મુદ્દે કારમાંથી ઉતરી પ્રોફેસરને મારવા ફરી વળ્યો હતો. જેમાં તેણે નજીકતી નારીયેળવાળાને ત્યાંથી છરો લઇ મારવા દોડ્યો હતો. આ અંગે શહેર પોલીસે કાર સવાર શખસ અને એક મહિલા સામે ગુનો નોંધ્યો હતો.
તસવીર પ્રતિકાત્મક છે
આણંદ શહેરની સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા સજીતકુમાર રાજેન્દ્રભાઈ પટેલ સાયન્સ કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવે છે. તેઓ 6ઠ્ઠી એપ્રિલની રાત્રિના ઘરેથી એક્ટીવા લઇ રોકડીયા હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયાં હતાં. પરંતુ ભીડ વધુ હોવાથી તેઓ મંદિરમાં દર્શન કર્યા વગર જ પરત ઘરે આવી રહ્યાં હતાં, તે વખતે સવા નવેક વાગ્યાની આસપાસ બેઠક મંદિર આગળ એક કાર ચાલક તેમની પાછળથી હોર્ન મારતો હતો. તેમની એક્ટીવા ઉભુ રખાવી ધમકાવવા લાગ્યો હતો કે, સાઇડ કેમ આપતો નથી ? તેમ કહી અપશબ્દ બોલી નીચે ઉતરી ગદડાપાટુનો માર મારવા લાગ્યો હતો. આ ઉપરાંત નજીકમાં ઉભેલી નારીયેળની લારી ઉપરથી લારી ઉપરથી છરો લીધો હતો. જોકે, આસપાસના લોકોએ તેને પકડી લીધો હતો. તે વખતે પણ તે અપશબ્દ બોલતો હતો અને ગાડી આગળ આવીશ તો જાનથી મારી નાંખીશ. આ ઉપરાંત ગાડીમાં સવાર એક મહિલાએ પણ અપશબ્દ કહ્યાં હતાં. આ ગાડી નં.જીજે 23 એમ 2592 હતો. જ્યારે હુમલાખોર શખસ આશીષ પટેલ હતો. આ અંગે સજીતકુમાર પટેલે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.