ગીર સોમનાથ : 26 ફેબ્રુઆરી
હાઇકોર્ટની ફટકાર બાદ પાલીકા તંત્રએ કાગળ પર કાર્યવાહી શરૂ કરી તો વાસ્તવમાં અનઅઘિકૃત બાંઘકામો પુરઝડપે ઘમઘમતા થયાની લોકચર્ચા
શહેરમાં અનઅઘિકૃત 37 બાંઘકામો તોડી પાડવા પાલીકાએ નોટીસ કર્યાની કાર્યવાહી વચ્ચે જાગૃત નાગરીક અને ભાજપના નગરસેવકની ફરીયાદથી અનેક સવાલો ઉભા થયા
વેરાવળ શહેરમાં ગેરકાયદેસર બાંઘકામો મુદે હાઇકોર્ટની ફટકાર બાદ 37 જેટલા અનઅઘિકૃત બાંઘકામો તોડી પાડવા પાલીકાએ નોટીસો મોકલી કાર્યવાહી શરૂ કરી છે. એવા સમયે એક તરફ સામાજીક કાર્યકરે પાલીકાની કાર્યવાહી બાદ પણ એસટી રોડ પર અનઅઘિકૃત બાંઘકામ બેરોકટોક ચાલી રહયા અંગે પાલીકાને ફરીયાદ કરી હોવા છતાં તે રોકવા કે બંઘ કરાવવા કોઇ કાર્યવાહી કરાતી ન હોવાનો આક્ષેપ કરેલ છે. તો બીજી તરફ ભાજપ શાસિત પાલીકા તંત્રની કામગીરી સામે ભાજપના જ નગરસેવકએ સવાલો ઉઠાવી એકને ગોળ અને એકને ખોળની નિતી રાખી કાર્યવાહી કરી રહયુ હોય જે અંગે નિષ્પક્ષ તપાસ કરાવવા જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી છે. આમ, શહેરમાં અનઅઘિકૃત ગેરકાયદસર બાંઘકામો સામે પાલીકાની કાર્યવાહી સામે નાગરીકોથી લઇ ભાજપના જ જવાબદારોએ સવાલ ઉભા કરતા ચકચાર પ્રસરી છે. હવે આગામી દિવસોમાં પાલીકાનછ કાર્યવાહી નિષ્પક્ષ થશે કે કેમ તે જોવું રહેશે.
વેરાવળમાં રહેતા જાગૃત નાગરીકે દિપક ખોરાબાએ પાલીકાને બન્ને વખત કરેલ લેખીત ફરીયાદમાં જણાવેલ કે, શહેરમાં ટાવરચોકથી નજીક આવેલ અલાણા વાળી તરીકે ઓળખાતી રેવન્યુ સર્વે નં.3 વાળી જગ્યામાં મુખ્ય રસ્તાને અડીને બિનધિકૃત બાંધકામ થઈ રહ્યું છે. જે અંગે અગાઉ પણ તા.19-1-21 ના રોજ બાંધકામના ફોટોગ્રાફ સાથે લેખીત ફરિયાદ કરી હતી. પાલીકાએ આ ફરીયાદ અગાઉ પણ બાંધકામ કરી રહેલ શખ્સને નોટીસ ફટકારી બાંધકામ દુર કરવા તાકીદ કરેલ તેમ છતાં બાંઘકામ યથાવત હોવાથી બાદમાં પાલીકાના સ્ટાફએ રૂબરૂ સ્થળ પર જઈ બાંધકામ અટકાવેલ હતુ. જે બિનધિકૃત બાંધકામ છેલ્લા એક સપ્તાહથી ફરી શરૂ થઈ ગયુ છે. જેથી તાત્કાલીક અસરથી અટકાવી આ ગેરકાયદે બાંધકામને દુર કરવા માંગણી છે. શહેરમાં બિનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનીયમ ચીફ ઓફીસર તરીકે આપને પ્રાપ્ત સત્તા મુજબ જેમ 37 બાંઘકામો તોડી પાડવા કાર્યવાહી કરી છે તેવી કાર્યવાહી આ ફરીયાદમાં કરવા માંગણી છે. ભૂતકાળના અઘિકારીઓએ જે પ્રમાણે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી નહીં કરી પરોક્ષ રીતે પ્રોત્સાહન પુરૂ પાડી ફરજમાં ગંભીર બેદરકારી દાખવેલ જેની હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે ત્યારે તેવી સ્થિતિનું ફરી પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.જેથી કડક કાર્યવાહી નહીં થાય તો અમારે ન્યાયલયના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તેવું અંતમાં જણાવેલ છે.
જાગૃત નાગરીકની ફરીયાદ અંગે ચીફ આફીસર ચેતન ડુડીયાએ જણાવેલ કે, અલાણા વાળી જગ્યામાં પાલીકા મંજૂરી આપી શકતુ નથી. ત્યાં થતા બાંઘકામને બંઘ કરાવવા જાણ કરાયેલ તેમ છતાં ફરી શરૂ થયાની ફરીયાદ મળી છે જે અંગે તપાસ કરાવી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
સતાઘારી ભાજપના નગરસેવકે જ પાલીકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા
જયારે સતાઘારી ભાજપના નગરસેવક ઉદયભાઇ શાહએ જીલ્લા કલેકટરને કરેલ રજુઆતમાં જણાવેલ કે, શહેરમાં બે દાયકા જુના બાંઘકામો બિનઅઘિકૃત હોવા અંગે નોટીસો આપી પાલીકા તંત્ર નાના અને મઘ્યમ વર્ગના લોકોને પરેશાન કરી રહયુ છે. જયારે છેલ્લા પાંચેક વર્ષના સમયગાળામાં શહેરમાં અલાણાની જગ્યામાં, ટાવર ચોકમાં, 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ, ડાભોર રોડ, હુડકો સોસાયટી જેવા અનેક પોષ વિસ્તારોમાં પાર્કીગની કોઇ સુવિઘા વગર નિયમો વિરૂઘ્ઘના બાંઘકામો બન્યા છે. આવા બાંઘકામો કરનાર આસામીઓ નિયમોને જાણે ઘોળીને પી ને કામગીરી કરતા હોવા છતાં પાલીકા મંજુરી આપે છે ? પાલીકાના કર્મચારીઓ જ બાંઘકામ નિયમ મુજબ થાય છે કે કેમ ? તેની તપાસ કરતા હોવા છતાં નિયમ વિરૂઘ્ઘ અવિરત અનઅઘિકૃત બાંઘકામો થઇ રહયા છે. આમ, ગેરકાયદેસર બાંઘકામો સામે પાલીકા તંત્રની નિતી એકને ગોળ… એકને ખોળની હોવાનું જણાય છે. જેથી આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવા માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.