સુરેન્દ્રનગર : ૭ જાન્યુઆરી
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં અંડર-૧૯ ભાઈઓ-બહેનોની રાજ્યકક્ષાની શાળાકીય ખો-ખો સ્પર્ધા યોજાઇ હતી.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રમત-ગમત ક્ષેત્રે લીંબડી આગવું સ્થાન ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે અનેક યોજના અમલી બનાવી છે. રાજ્યનો યુવાન રમત ગમત ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા બતાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત જેવા કાર્યક્રમો થકી ગામડાના રમતવીરોનું કૌશલ્ય બહાર આવ્યું છે, અને જેના કારણે આ ગામડાના રમતવીરો આજે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરી રહ્યા છે.આ તકે મંત્રી એ ખો-ખો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર તમામ રમતવીરોને અભિનંદન પાઠવી તેઓ રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાની ૩૬ ટીમ બહેનોની અને ૩૬ ભાઈઓની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં બહેનોની સ્પર્ધામાં પ્રથમ ક્રમાકે તાપી, દ્વિતિય ક્રમાકે અમદાવાદ ગ્રામ્ય અને તૃતિય ક્રમે પંચમહાલ જિલ્લાની ટીમ વિજેતા થઈ હતી. જ્યારે ભાઈઓની ફાઈનલ મેચ તા.૭/૧/૨૦૨૨ ના રોજ યોજાશે.
આ પ્રસંગે અગ્રણી શંકરભાઈ દલવાડી, જિલ્લા રમત-ગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, સિનિયર કોચ પાર્થ ચૌહાણ, હેડ કોચ મુકેશભાઈ પટેલ અને વોલીબોલ કોચ બિપીનભાઈ પટેલ સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.