પાટણ : 4 માર્ચ
રશિયા – યુક્રેનના યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓને પરત વતન લાવવા ચાલી રહેલા ઓપરેશન ગંગા હેઠળ પાટણના વધુ 12 વિદ્યાર્થીઓને હેમખેમ પોતાના ઘરે પહોંચાડવામાં આવ્યાં હતાં. આ વિદ્યાર્થીઓ ઘરે પહોંચતાં જ પરિવારમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયાં હતાં.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, જેને લઇને યુક્રેનમાં મેડિકલના અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. આ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુ છે અને રોજેરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે, ગતરોજ મોડીરાત્રે પાટણ શહેરના 12 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસી દ્વારા વ્યવસ્થા કરાયેલ સ્પેશ્યલ ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાંથી વોલ્વો બસમાં સિદ્ધપુર અને ત્યાંથી પોતાના ઘરે આવી પહોંચતા સમગ્ર પરિવારમાં ખુશી વ્યાપી હતી. પોતાના લાડકવાયા સંતાનોને સુરક્ષિત જોઈને માતા – પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.