આપણે સૌ ઘણાં વર્ષો અગાઉ દૂરદર્શન પર રામાનંદ સાગરની સિરિયલ રામાયણ જોતાં હતા. ત્યારે હમણાં રિલીઝ થઇ હતી તે આ વર્ષની મોંઘી ફિલ્મ આદિપુરુષ છે. પ્રભાસ, ક્રિતી સેનન અને સેફ અલી ખાન સ્ટાર ફિલ્મને લઈને ફિલ્મ મેકર્સને હતું કે રિલીઝ થયાની સાથે જ બોક્સ ઓફિસ પર કમાણીના બધા જ રેકોર્ડ તૂટી જશે. પરંતુ હકીકતમાં થયું એવું કે ફિલ્મ રિલીઝ થયા પછી વિવાદોના રેકોર્ડ્સ તૂટવા લાગ્યા. ફિલ્મને જોઈને દર્શકો એટલા નારાજ થયા કે એડવાન્સ બુકિંગ પણ કેન્સલ થવા લાગ્યું હતું. તેમ છતાં ફિલ્મ જોવા દર્શકો થિયેટર સુધી આવે તે માટે ફિલ્મ મેકર્સે ટિકિટના ભાવ પણ અડધા કરી દીધા તેમ છતાં આદિપુરુષ ફિલ્મ લોકોને રાજી કરવામાં સફળ ન થઈ.
આદિપુરુષ ફિલ્મ જે વિવાદમાં રહી તેને જોઇ લોકોને રામાનંદ સાગરની રામાયણ ફરીથી યાદ આવી ગઈ. 1988 માં બનેલી આ રામાયણ લોકોને એટલી યાદ આવી કે નિર્માતાઓએ આ સીરીયલને ફરીથી ટેલિકાસ્ટ કરવાનું નક્કી કર્યું છે. વર્ષો પહેલા દૂરદર્શન પર રામાનંદ સાગરની સિરીયલ રામાયણ રીલીઝ થઈ હતી. આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા પછી લોકો કહી રહ્યા હતા કે વર્ષો પહેલાં રિલીઝ થયેલી રામાયણ સામે આદિપુરુષ ફિલ્મ 600 કરોડના ખર્ચે પણ કચરો લાગે છે. તેવામાં ફરી એક વખત રામાયણને ટીવી પર પ્રસારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રામાનંદ સાગરની આ સીરીયલ બીજી વખત ટીવી પર રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા 2020 માં કોરોના દરમિયાન જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે દૂરદર્શન પર ફરીથી રામાયણ સીરીયલ ચલાવવામાં આવી હતી. તે સમયે પણ રામાયણ સીરીયલે TRPના બધા જ રેકોર્ડ તોડી દીધા હતા.
રામાનંદ સાગરની રામાયણ સીરીયલ શેમારૂ ટીવી પર ટેલીકાસ્ટ થશે. શેમારૂ ટીવી પર રામાયણ સીરીયલ 3 જુલાઈથી દર સોમવારથી શનિવાર સાંજે 7:30 કલાકે પ્રસારિત થશે. શેમારુ ટીવી ફ્રી ટુ એર ચેનલ છે જેને કોઈ પણ પ્રકારના ચાર્જ વિના જોઈ શકાય છે. શેમારુ ટીવી એરટેલ પર 133 નંબર, ટાટા સ્કાય પર 181, ડીશ ટીવી પર 172, વીડિયોકોન પર 123, ડેન પર 116, અને ડીડી પર 28 નંબર પર જોઈ શકાય છે.