સુરેન્દ્રનગર: ૧૮ જાન્યુઆરી
પાંદરી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ઉપર તલવારો, લોખંડના પાઈપ, ફરસી સહિત પ્રાણ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરનાર 12 શખ્સો સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકારણનો ટેકા, પોલીસની ઢીલી નીતિને કારણે બન્ને પરિવારો વચ્ચે ઝઘડા વધ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ સભાડ(ભરવાડ) અને તેમના કુંટુબીજનો સાથે છેલાભાઈ જોગરાણાના પરિવારજનોને ચારેક વર્ષોથી દૂધ મંડળી, હોટલ સહિતની ધંધાની બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. તા.21 સપ્ટેમ્બરના રોજ લીંબડી ગ્રીનચોકમાં પોલીસ ચોકી સામે સભાડ અને જોગરાણા પરિવારના લોકો વચ્ચે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. બન્ને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી પણ હતી. આ ઝઘડાની સાહિ સુકાઈ નથી ત્યાં તો તા.13 જાન્યુઆરીએ સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડના નાનાભાઈ નોંઘાભાઈ ભરવાડના પુત્ર લીંબડી ભરવાડ નેશમાં રહેતા, પાંદરી દૂધ ઉ.સહકારી મંડળીના પ્રમુખ નરેશભાઈ ભરવાડની કારના કાચ તોડી બહાર કાઢી દેવકરણ ઉર્ફે હકા કાનાભાઈ જોગરાણા, છેલા ભીમાભાઈ જોગરાણા, વના ધુડાભાઈ જોગરાણા, લાલા રૂપાભાઈ જોગરાણા, ગોપાલ મફાભાઈ જોગરાણા, હિરા ભલાભાઈ જોગરાણા, લાલા છેલાભાઈ જોગરાણા, સુખા જોધાભાઈ જોગરાણા, સગરામ જોગરાણા, વના બેચરભાઈ જોગરાણા, હરી ભીમાભાઈ જોગરાણા અને નનુ ભલાભાઈ જોગરાણાએ તલવાર, ફરસી, લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં તલવારનો ઘા વાગતા નરેશ ભરવાડનો જમણા પગનો પંજો કપાઈ ગયો હતો. બન્ને પગના નળા અને હાથના ભાગોમાં તલવારો, લોખંડના પાઈપ, ફરસીના ઘા વાગવાને કારણે ફ્રેક્ચરો થઈ ગયા હતા. જીવલેણ હુમલો કરનાર 12 શખ્સો સામે નરેશભાઈ ભરવાડે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.