કાલોલ તાલુકાના રતનપુરા ગામે દિલ્હી મુંબઈ કોરીડોર રોડ પસાર થતાં પોતાનાં જ ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ જતાં ખેડૂતોએ વહીવટી તંત્રને રજુઆત કરી
કાલોલ તાલુકાના રતનપુરા નજીકથી પસાર થતા મહત્વકાંક્ષી ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલ દિલ્હી બોમ્બે કોરીડોર પસાર થઈ રહ્યો છે. અહીંના ખેડૂતોની આ રસ્તો બનાવવા માટે જમીન સંપાદન થયા બાદ હાલત કફોડી બની છે. કોરીડોર બનાવતી એજન્સીઓ સાથે ખેડૂતોને અવારનવાર ઘર્ષણ અને કલેશના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે ફરી એક વખત દિલ્હી બોમ્બે કોરીડોર કામ કરતી પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની સાથે ખેડૂતોને ઘર્ષણ થતા કંપનીના અધિકારીઓએ ઉલટા ચોર કોટવાલ કો ડાટે તેવી રીતે ખેડૂતો સામે જ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.
જે અંગે ખેડૂતો ભારે નારાજ થયા હતા અને કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો. સરકારનો ખૂબ જ મહત્વકાંક્ષી ગણાતો ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બની રહેલ દિલ્હી બોમ્બે કોરીડોર પંચમહાલના મોરવા હડફ, ગોધરા અને કાલોલ તાલુકામાંથી પસાર થાય છે ત્યારે આ રસ્તો બનાવવા માટે સરકાર દ્વારા ભારે જહેમત અને વિવાદો વચ્ચે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી.
જોકે અનેક સ્થળોએ ઘણીવાર ખેડૂતોએ વિરોધ નોંધાવતા ઘણા વિવાદો પણ સર્જાયા હતા ત્યારે હવે જમીન સંપાદિત થયા બાદ અને રસ્તા નું કામ લગભગ પૂર્ણતાના આરે છે.ત્યારે હવે ખેડૂતો પોતે જ આપેલી જમીનમાંથી રસ્તો નહીં મળતા રસ્તો બનાવનાર એજન્સીઓ સાથે અનેક વખત ઘર્ષણ અને માથાકૂટ ના બનાવો બનતા હોય છે.
જે મધ્યે કાલોલ તાલુકાના રતનપુરા ગામે પણ આ જ પ્રકારનો એક બનાવ બન્યો હતો.જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી બોમ્બે કોરીડોરની પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની સાથે સ્થાનિક ખેડૂતોને રસ્તાને લઇ માથાકૂટ થઈ હતી.જેમાં સમાંતર બંને તરફ કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવતા ખેડૂતોને હવે પોતાના જ ખેતરમાં જવાનો સીધો રસ્તો જે વર્ષોથી હયાત હતો તે હવે બંધ થઈ જતા ખેડૂતોને પોતાના જ ખેતરમાં જવા માટે જ હવે ભારે અગવડતા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ કંપની દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે અમુક અમુક અંતર ઉપર નાના અને પગદંડી રસ્તા બનાવી આપવામાં આવ્યા છે.પરંતુ આ વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય ન હોય આવા નાળાઓને પહોળા અને મોટા કરવામાં આવે તેવી રજૂઆત સાથે રતનપુરાના સરપંચ અને ખેડૂતોએ કમ્પાઉન્ડ વોલ નું કામ અટકાવી દેવાનો પ્રયત્ન કરતા પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના અધિકારીઓ દ્વારા કાલોલ પોલીસ મથકે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે લેખિતમાં અરજી કરવામાં આવી હતી .
જે સંદર્ભે બુધવાર ના રોજ રતનપુરા સરપંચ સહિતના ખેડૂતોને પોલીસ મથકે જવાબો લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.જ્યાં ખેડૂતોએ પોતાની વ્યથા જણાવી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટના અંગે કાલોલ મામલતદારને પણ લેખિતમાં રજૂઆત કરી ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અરજ કરવામાં આવી હતી.
તસવીર –: કાલોલ તાલુકાના રતનપુરા ગામે દિલ્હી મુંબઈ કોરીડોર રોડ પસાર થતાં પોતાનાં જ ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ જતાં ખેડૂતોએ કાલોલ મામલતદાર અને પોલીસ મથકે રજુઆત કરી હતી કાલોલ