નાનું રણ:૭ જાન્યુઆરી
દર વર્ષે હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. ત્યારે એક બાજુ કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી છે ત્યારે બીજી બાજુ વન વિભાગે ખુદ ડ્રોન ઉડાડી જોખમ સર્જવાની સાથે સુરખાબના સંવનનને ખલેલ પહોંચાડી હોવાનું પક્ષી પ્રેમીઓ માં ચર્ચાઈ રહ્યું છે.
વેરાન રણમાં અસ્તિત્વમાન 74 જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે. દર વર્ષે હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યા છે.અત્યાર સુધી સુરખાબ દર વર્ષે કચ્છના મોટા રણમાં શીયાળો ગાળવા આવવાની સાથે હજારોની સંખ્યામાં લાઇનબધ્ધ અનોખી માળા વસાહત બનાવી ઇંડાઓનું સંવનન કરી હજારોની સંખ્યામાં બચ્ચાઓને જન્મ આપી માનવીય ખલેલથી પર એવા રણમાં ઉડતા શીખવાડી બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરી પોતાના માદરે વતન પરત ફરે છે. પણ 1998 બાદ આ વર્ષે કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી હતી. ત્યારે બીજી બાજુ વન વિભાગે ખુદ ડ્રોન ઉડાડી જોખમ સર્જવાની સાથે સુરખાબના સંવનનને ખલેલ પહોંચાડી હોવાની ચર્ચા એ વેગ પકડ્યો છે.
દર વર્ષે સંવનનકાળના સમયગાળા દરમિયાન ચાર મહિના અભ્યારણ પ્રવાસીઓ માટે સદંતર બંધ રહે છે
દર વર્ષે 16 જૂનથી 15 ઓકટોબર સુધી ચાર મહિના સંવનનકાળનો સમયગાળો હોવાથી ઘૂડખર અભ્યારણ સહિતના ગુજરાતનાં તમામ અભ્યારણો પ્રવાસીઓ માટે સદંતર બંધ રહે છે. અને 16 ઓકટોબરથી ઘૂડખર સહિતના ગુજરાતનાં તમામ અભ્યારણો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે.
આ અનોખી વસાહતની ખાસિયતો
સુરખાબ સમૂહમાં માળા બનાવે છે. અને ચારે બાજુએ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી 40થી 45 ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડા મૂકે છે. જેથી સંવનન બાદ બચ્ચા નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાઓને ઉડતા શીખવાડી ચોમાસા બાદ બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરે છે.
ઓગષ્ટ- ’98માં પણ અનોખી માળા વસાહત મળી આવી હતી..
નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જીલંધર બેટમાં નોંધાઇ હતી. આ વસાહત 250 જેટલા એકરમાં નોંધાઇ હતી. તેમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગષ્ટ-1998માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં 25,000થી 30,000 જેટલા માળા, 30,000 જેટલા પુખ્ત ઉંમરના પક્ષીઓ અને 25,000 જેટલા બચ્ચાં હતા.
5,000 ચો.કિ.મી.રણમાં 2લાખથી વધુ પક્ષીઓ,ને સ્ટાફ માત્ર 11નોજ..
5000 ચો.કિ.મી.માં ફેલાયેલા ખારાઘોઢા રણમાં બજાણા વેટલાઇન અને કોળધાની ખરીમાં અંદાજે 2 લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓ મહાલવા આવ્યા છે. હાલમાં આ 2લાખથી વધુ પક્ષીઓ સામેં અભ્યારણ્ય વિભાગમાં 1 આર.એફ.ઓ., 6 રાઉન્ડ ફોરેસ્ટર, 4 બીટગાર્ડ મળી માત્ર કુલ 11જણાનોં જ સ્ટાફ છે.
સીધી વાત- અનીલભાઇ રાઠવા- રેન્જ ફોરેસ્ટ ઓફિસર- અભ્યારણ્ય વિભાગ- બજાણા
નાના રણમાં આ વર્ષે સુરખાબે નેસ્ટીંગ કર્યુ છે?
હા આ વર્ષે કચ્છના નાના રણમાં સુરખાબે નેસ્ટીંગ કરી અનોખી માળા વસાહત બનાવી ઇંડાઓનું સંવનન કરી બચ્ચાઓને જન્મ આપ્યો હતો.
ખુદ વનવિભાગે આ નેસ્ટીંગ માટે રણમાં ડ્રોન ઉડાડ્યું હતુ ?
આ ડ્રોન વિડીયો 15 ઓકટોબર 2021નો અંદાજે અઢી મહિના પહેલાનો છે. અને એ વખતે સુરખાબ ઇંડા મૂકીને પાણી સુકાઇ જતા ત્યાંથી નીકળી ગયા હતા. અને પાણી સુકાઇ જતા સંવનન નિષ્ફળ જતાં નેસ્ટીંગ પણ ફેલ ગયુ હતુ.