પાટણ: ૮ જાન્યુઆરી
પાટણ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા અને ૫ વર્ષની સેવા પૂરી કરનાર ૪૯ શિક્ષકોને પુરા પગારમાં સમાવી આજે તે અંગેના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા ૪૯ શિક્ષણ સહાયકોને મદદનીશ શિક્ષક તરીકે પુરા પગારમાં સમાવવાના હુકમ વિતરણ કરાયા હતા .
જિલ્લામાં ૩૩ ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓ અને ૧ સરકારી શાળા મળી કુલ ૩૪ શાળાના શિક્ષણ સહાયક તરીકે ફિક્સ પગારથી સેવા આપતા શિક્ષકોને કાયમી પુરા પગારમાં સમાવતા ઓર્ડર આપવામાં આવ્યા હતા . આ પ્રસંગે ડીઈઓ જયરામ જોશીએ પુરા પગારમાં સમાવાયેલ શિક્ષકોને તેમના વિષયોમાં બાળકોને સારું જ્ઞાન આપીને સારું પરીણામ આપવા તેમજ કોરોના મહામારી દરમમ્યાન શાળાઓમાં શિક્ષણ કાર્ય નહીં થઈ શકતા ઉભા થયેલ લર્નિંગ લોસને પૂર્ણ કરવા તેમનું કર્તવ્ય નિષ્ઠાથી અદા કરવા તેમજ સમગ્ર જિલ્લાની શાળાઓના બાળકોને ઓનલાઈન શિક્ષણનો લાભ પહોંચાડવા અનુરોધ કર્યો હતો .
કાર્યક્રમમાં ડિઈઓ કચેરીના બિપીન પ્રજાપતિ , રાજુ દેસાઈ , શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશ પટેલ સહિત અમૃત દેસાઈ , લાલભાઈ દેસાઈ , બચુભાઇ પટેલ , હરેશ પટેલ , વિજય પ્રજાપતિ , પ્રહલાદ પટેલ , ધનરાજ ઠકકર , પરેશ ચૌધરી વિગેરે વિવિધ સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.