આદિપુરુષ ફિલ્મને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. જ્યારે આદિપુરુષ ફિલ્મમાં રાવણનો લુક સામે આવ્યો ત્યારે પણ ફિલ્મ લોકોની ચર્ચાનો વિષય બની હતી. ત્યારે 16 જૂને રિલીઝ થયેલી આદિપુરુષ ફિલ્મ ચાહકોને ફિલ્મથી ઘણી બધી આશાઓ હતી. ખાસ કરીને પ્રભાસને શ્રીરામના પાત્રમાં જોવા માટે લોકો ઉત્સુક હતા. પરંતુ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ લોકોની ઉત્સુકતા ગુસ્સામાં બદલી ગઈ. પ્રભાસના ચાહકો પણ ફિલ્મ જોઈને નાખુશ જોવા મળ્યા. અભિનયની દ્રષ્ટિએ ફિલ્મ કદાચ લોકોને સારી પણ લાગે પરંતુ ફિલ્મના ડાયલોગે બાજી બગાડી દીધી.
ફિલ્મ રિલીઝ થતાં જ દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મૂકવાની અને ફિલ્મમાંથી કેટલાક આપત્તિજનક દ્રશ્યો દૂર કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી છે. ફિલ્મ વિરુદ્ધમાં અરજી હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે ફળના પાત્ર મહાકાવ્ય રામાયણમાં વર્ણિત પાત્રો કરતાં સાવ અલગ છે. સાથે જ તેમને સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં આવ્યું તે નિર્ણયને પણ પડકાર્યો છે. જનહિતની અરજી કરી ફિલ્મ પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે ફિલ્મમાં ધાર્મિક ચરિત્રોને ખોટી રીતે અને અનુચિત રીતે દેખાડવામાં આવ્યા છે જેના કારણે હિન્દુ સમુદાયની ભાવના આહત થઈ છે. તેમણે કહ્યું છે કે ફિલ્મોમાં જે રીતે રામ-સીતા ,હનુમાન અને રાવણના પાત્રને દેખાડવામાં આવ્યા છે તે મહર્ષિ વાલ્મિકી અને સંત તુલસીદાસ રચિત મહાકાવ્યના પાત્રોથી વિરુદ્ધ છે.
ફિલ્મમાં રાવણ અને હનુમાનના પાત્રનું ચિત્રણ પણ ભારતીય સંસ્કૃતિથી વિપરીત છે. ફિલ્મ રાવણને દાઢી સાથે દેખાડવામાં આવ્યો છે જે તદ્દન ખોટું છે. રાવણ બ્રાહ્મણ હતો અને તેને ફિલ્મમાં ખોટી રીતે અને ભયાનક રૂપમાં દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના ડાયલોગ પણ મહાકાવ્ય રામાયણના પાત્રોને શોભે તેવા નથી. આ બાબતોને લઈને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
આપણે વાત કરીએ પહેલાં દુરદર્શન પર આવતી રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં આવતા રામ અને સીતાનું અભિનય કરતાં પાત્રોની તો રામાયણમાં આવ્યા બાદ તેઓને દેશમાં ઘરોમાં રામ-સીતા જ લોકોએ માની લીધા હતા. તેમાંય મા સીતાનું અભિનય કરનાર દીપિકા ચોખલિયાએ તો રામાયણમાં પાત્ર ભજવ્યા બાદ કોઇ જ રોલ નથી કર્યો અને તેમણે મર્યાદા સંભાળી છે. લોકો અત્યારે પણ એ રામ-સીતાને આદર માને છે અને સન્માન આપે છે.