આણંદ : 22 નવેમ્બર
આણંદ જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદારોનો પ્રભાવ નિર્ણાયક બની રહેશે. કારણ કે મતદારયાદીમાં 17.64 લાખ મતદારમાંથી અન્ડર-40 કહી શકાય તેવા 8.25 લાખ મતદારો કઇ બાજુ ઢળશે ? તે ચિત્ર સ્પષ્ટ થતું નથી. આ યુવા મતદારોનું વોટીંગ વધુ હોય છે, આ સવા આઠ લાખમાંથી અડધો અડધ તો 30 વર્ષની નીચેના છે. જેમાંથી મોટા ભાગના યુવા મતદારોએ રાજ્યમાં ફક્તને ફક્ત ભાજપનું જ શાસન જોયું છે.
આણંદ જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો અને આગેવાન કાર્યકરોનીગામેગામ બેઠકો શરૂ થઇ ચુકી છે. તેવી જ રીતે શહેરી વિસ્તારમાં પણ મોટા નેતાઓ ની સભા અને રેલીના કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. આ વખતની ચૂંટણી ત્રિકોણીયો જંગ છે. ભાજપ અને કોંગ્રેસ અને આપ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ બની રહી છે.
મહત્વનું છે કે આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર કુલ 17,64,384 મતદાર નોંધાયા છે. જેમાં 40 વર્ષથી નીચેના 8,25,116 મતદાર છે. આ મતદારમાં પણ 3,97,742 મતદાર 30થી નીચે છે. જેઓ ટેકનોક્રેટ છે. તેઓ દિવસનો મોટાભાગનો સમય સોશ્યલ મીડીયા પર જોવા મળે છે. તેમને પોતાની તરફ ખેંચવા રાજકીય પક્ષો દ્વારા સોશ્યલ મિડિયા પર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું એ પણ છે કે, મતદાનમાં પણ આ વર્ગ આગળ પડતો હોય છે.
રાજકીય વિશ્લેષકોના મત મુજબ 40 વર્ષથી ઉપરની ઉંમરના મતદારો રૂઢિગત મતદાન કરતા હોય છે.જે પાર્ટી કે પક્ષીય વિચારધારા સાથે તેઓ સંલગ્ન થઈ ગયા બાદ તેઓ ભાગ્યે જ તેમનો મત બદલતા હોય છે. આવા મતદારોની સંખ્યા પણ વધુ છે. પરંતુ તેમને બુથ સુધી લઇ જવા જરૂરી છે. 40થી વધુ ઉંમરના 9,39,268 મતદાર છે. આ મતદારોમાં 34 હજાર 80થી વધુ ઉંમરના છે.જેમાંથી મોટા ભાગના મતદાર મતદાન કરવા ઉત્સુક હોતા નથી.આથી, રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર કાર્યક્રમમાં 40થી નીચે અને 40થી વધુ ઉંમરના મતદારોના બે ગ્રુપ પાડી દીધા છે. આ ગ્રુપમાં તેઓએ વધુ જોર 40થી નીચેની ઉંમરના મતદારોને રીઝવવા કરી રહ્યાં છે. તેમાંય 25 વર્ષથી નીચે મતદારો રાજકીય રીતે કોરી સ્લેટ સમાન છે. જેમને પોતાના તરફી કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં સૌથી વધુ આણંદ વિધાનસભા બેઠક પર યુવા મતદારો નોંધાયાં છે.
આણંદમાં રાજકીય પક્ષો દ્વારા યુવા મતદારોને આકર્ષવા સોશ્યલ મિડિયાનો પણ સહારો લેવામાં આવ્યો છે. આ સોશ્યલ મિડિયામાં યુવા મતદારોને આકર્ષવા પક્ષીય ટીમોની વોર ચાલી રહી છે.ભાજપ દ્વારા ગુજરાતના કરફ્યુ અને માફિયારાજનું ચિત્ર બતાવી નવી પેઢીને મજબૂત નેતૃત્વની ઓળખ આપવા આવી રહી છે તો બીજી તરફ વિકાસના કામોની તસ્વીર બતાવી આધુનિક ગુજરાતના નિર્માણની દ્રઢતા પ્રસ્તુત કરવામાં આવી રહી છે.તો કોંગ્રેસ પણ કોંગ્રેસનું કામ બોલે ની થિમ ઉપર તો આમ આદમી દિલ્હી અને પંજાબના શાસન વ્યવસ્થા મોડેલ ને રજૂ કરી સોશિયલ મીડિયામાં વોટ જાગૃતિ અને મતદાન કરવા અપીલ કરી રહ્યા છે.એ બાબત નોંધનીય છે ત્રણેય પક્ષો દ્વારા ભવિષ્યમાં તેમના દ્વારા કેવા કામો કરવામાં આવશે ? તેનો પ્રચાર વધુ કરવામાં આવી રહ્યો છે. કારણ કે હાલના યુવા મતદારોને ભૂતકાળ સાથે કોઇ નિષ્બત હોતી નથી. તેઓ ભવિષ્યમાં તેમને શું રોજગાર ,વ્યાપાર અને સુવિધા મળશે ? તે બાબત પર વધુ ધ્યાન આપી રહ્યા હોવાનું અનુમાન છે.તેઓના માટે વિશ્વમાં ભારત કેટલું આધુનિક , સુરક્ષિત મજબૂત રાષ્ટ્રનીતિ ધરાવે તે મહત્વનું મનાતું હોય છે.
આણંદમાં ક્યા ગ્રુપમાં કેટલા મતદારો છે ?
ઉંમર મતદારો
18-19 37,995
20-29 3,59,747
30-39 4,27,374
40-49 3,48,471
50-59 2,75,797
60-69 1,86,810
70-79 93,497
80+ 34,693
કુલ 17,64,384