ગીર સોમનાથ : 5 માર્ચ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બંન્ને વિદ્યાર્થીઓ પરીવારજનોને મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
રશીયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુધ્ધમાં ગીર સોમનાથ જિલ્લાના 26 વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે પૈકી 10 વિદ્યાર્થીઓ અગાઉ પરત આવી ચુક્યા છે.જ્યારે યુક્રેનમાં ફસાયેલા 16 પૈકીના વધુ 2 વિધાર્થીઓ આજે વતન હેમખેમ સોમનાથ પહોંચ્યા છે. આ બંન્ને વિદ્યાર્થીઓ યુક્રેનથી અત્રે પહોંચી સીધા પ્રથમ સોમનાથ મહાદેવને શીશ નમાવી બાદના પરિવારજનોને મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ તકે વિદ્યાર્થીઓએ ભગવાન સોમનાથ મહાદેવની કૃપા ઉપરાંત કેન્દ્રની મોદી સરકારના પ્રયાસોને લઈને અમો સહી- સલામત ઘરે પહોંચી શક્યા છીએ. અમોએ ભારતીય ત્રીરંગાનું સાચું મહત્વ વિદેશની ધરતી પર મળેલ માન સન્માનથી અનુભવ્યુ છે.
યુધ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના સુજલ મહેતા અને વિરાજ બામણીયા નામના બે વિદ્યાર્થીઓ આજે યુક્રેનથી પરત સહી સલામત ફરીને સીધા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં બંન્ને વિદ્યાર્થીઓના પરીવારજનો અને સંબંધીઓએ આવકારી મોઢા મીઠા કરાવ્યા હતા. બંન્ને વિદ્યાર્થીઓ હેમખેમ પરત આવી ગયા હોવાથી તેમના માતા-પિતા સાહિતનાઓમાં હરખના આશુઓ વહેતા થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં બંન્નેએ પરીવારજનો સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.
આ તકે વિદ્યાર્થી સુજલ મહેતા અને વિરાજ બાંમણિયાએ ગદગદ સ્વરે જણાવેલ કે, આપના ભારત દેશના ત્રીરંગાનું સાચું મહત્વ અમોએ વિદેશની ધરતી પર અનુભવ્યું છે. કારણ કે, યુધ્ધ વચ્ચે આકાશમાં ઉડતા ફાઈટર પ્લેનો સામે તિરંગો બતાવતા તેઓ અમારા પર હુમલો નહોતા કરતા. રશિયા હોય કે યુક્રેન બન્નેની સેનાના જવાનો અને પોલીસ સ્ટાફ અમારા માટે વિશેષ વ્યવસ્થા કરી આપતા હતા. યુધ્ધ વચ્ચે ભારતીય ત્રિરંગો અમારી સાથે પાકિસ્તાની અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે રક્ષા કવચ સમાન હતો. અત્યારે યુક્રેનમાં લોકો પોતાના દેશનો ધ્વજ ઉઠાવતા ડરી રહ્યા છે પણ ભારતીય ત્રિરંગો શાનથી દેશની ગૌરવ ગાથા પ્રસિદ્ધ કરી રહ્યો હોવાની અમોએ ભારતીય તરીકે અનુભુતી કરી છે.