આજે એટલે 17 ઓગસ્ટ 2023 થી શ્રાવણ માસની શરુઆત થઇ ચૂકી છે. ત્યારે દેવાધિદેવ મહાદેવને રિઝવવાનો અવસર આવી ગયો છે. તેથી રાજ્યભરમાં પ્રસિધ્ધ શિવ મંદિરો હવે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ત્યારે સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત હોય કે મધ્ય ગુજરાત રાજ્યભરના નાના મોટા તમામ શિવ મંદિરોમાં શ્રાવણ માસને પગલે અદ્ભૂત શણગાર કરવામાં આવ્યો છે.
સૌ દેવી દેવતાઓમાં મહાદેવજીને ભોળા માનવામાં આવે છે ત્યારે તો તેમને ભોળાનાત કહેવાય છે. મહાદેવજી તેમના ભક્તોને ક્યારેય દુખી થવા દેતાં નથી અને તેમની મનોકામના પૂરી કરે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ એટલે શિવ શંકરની આરાધનાના મહિનો. આ મહિનામાં મહાદેવની આરાધનાનું વિશેષ મહાત્મય છે. જેને પગલે વહેલી સવારથી જ ઠેર ઠેર શિવાલયોમાં ભક્તો ઉમટી રહ્યા છે.
રાજ્યમાં વાત કરીએ તો આજે શ્રાવણની શરુઆતમાં વિવિધ જગ્યાએ વિશેષ શિવ આરાધના કરવામાં આવશે. ત્યારે પ્રથમ જર્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ શિવમંદિરોને રોશની,ધ્વજ-પતાકાથી શણગારવામાં આવ્યા છે.શુધ્ધ ભાવ અને પૂણ્યકર્મથી માત્ર જળ અને એકાદ બિલ્વપત્રથી પ્રસન્ન થતા ભગવાન મહાદેવનો કૃપાપ્રસાદ મેળવવા આવતીકાલથી એક માસ સુધી શિવલિંગ ઉપર લાખો બિલ્વપત્ર, ષોડષોપચાર પૂજન, દૂધ,મધ સહિત પવિત્ર દ્રવ્યોની ધારા કરશે.