આણંદની હેન્વી પટેલે શાસ્ત્રીય નૃત્યમાં ભારતીય વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યુ
આણંદ જિલ્લાની રાષ્ટ્રીય સ્તરે બે વાર નૃત્ય પ્રદર્શન આપી ચુકી હેન્વી પટેલે 76મા ગણતંત્ર દિવસના અવસરે એક અનોખી ઉપલબ્ધિ હાંસલ કરી. તેમણે રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને “વંદે માતરમ” ગીત પર શાસ્ત્રીય નૃત્યનો વિડિયો રેકોર્ડ કરાવી ઓનલાઇન સબમિટ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિશ્વભરના 3,680 કલાકારોએ ભારતીય ધ્વજ સાથે એકસાથે નૃત્ય કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપલબ્ધિ માટે ઇન્ડિયન બુક ઑફ રેકોર્ડ્સ તરફથી તેમને મેડલ, સર્ટિફિકેટ અને ઇન્ડિયન પેટ્રિઅટિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
26 જાન્યુઆરીના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ભારતના વિવિધ શાસ્ત્રીય નૃત્ય પ્રકારો જેવા કે કથક, કથકલી, કુચિપુડી, ઓડિસી, ભરતનાટ્યમ, મણિપુરી અને મોહિનીઅટ્ટમના કલાકારોએ ભાગ લીધો હતો. ભિન્ન નૃત્ય શૈલીઓ છતાં, તમામ કલાકારોએ દેશભક્તિ અને એકતાનો સંદેશ આપતું આ ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યો.
આ ઉપલબ્ધિ પર આણંદ જિલ્લાના ભાજપ અધ્યક્ષ, કર્ણાવતી મહાનગરના પ્રભારી અને NALCOના ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર સંજયભાઈ પટેલે હેન્વી પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેમના ભવિષ્યના નૃત્ય કારકિર્દી માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.