Home ક્ચ્છ લોકતંત્રની વ્યવસ્થા જળવાય તે સુશાસન: વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય….

લોકતંત્રની વ્યવસ્થા જળવાય તે સુશાસન: વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય….

138
0

ભુજ:૮ જાન્યુઆરી


સ્વામીનારાયણ વિધાલય, ભુજ ખાતે આજરોજ કચ્છની અનુદાનિત, સરકારની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના બાવન (પ૨) શિક્ષણ સહાયકોને વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને પુરા પગારના આદેશ એનાયત કરવામાં આવ્યા હતા.
રાજય સરકાર સંલગ્ન કમિશનર શાળાઓની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીકચ્છ-ભુજની કચેરી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ગુરૂ શિષ્ય પરંપરા છે. કામની કદર બધે જ થાય છે. શિક્ષકો પણ રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિક નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહયા છે. સૌ શિક્ષકોના ખભે વિશેષ જવાબદારી હોય છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની રચના કરીને મહિલા અને બાળકોની ચિંતા કરી છે. શિક્ષણ ક્ષેત્રે પણ અદભૂત ક્રાંતિ લાવવા કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવથી બાળકોના શિક્ષણમાં વાલી સાથે ગ્રામજનોને પણ જોડયા છે.
વિધાર્થીઓને પગભર કરવા આર્થિક ઉન્નત કરવા, રોજગારી આપવા યુવાઓમાં કૌશલ્યવર્ધનને મહત્વ આપ્યું અને સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા ઉધોગ આધારિત કૌશલ્યયુકત માનવબળ વડાપ્રધાને તૈયાર કરાવ્યું છે. જેના પગલે સ્કીલ અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળ, યુવાઓ રોજગારી મેળવી રહયા છે. આજે મળેલા આ આદેશ પત્રો સુશાસનનું પ્રમાણ છે. સી.એમ.ડેસ્કબોર્ડથી દરેક વિભાગની પારદર્શિતા, પ્રમાણિકતા અને પ્રગતિશીલતાથી સરકારનું કામ થઇ રહયું છે. ડીઝીટલાઇઝેશનથી પાત્રતા ધરાવતા ઉમેદવારને વ્યવસ્થિત આયોજનથી લાભો અપાવવાના પ્રયત્નો સરકાર કરી રહી છે. દરેક ક્ષેત્રમાં નિમણુંક ભરતી, પગાર, કામકાજ બધે જ પારદર્શિતા છે.
સુશાસનના પાંચ મુદા્, નિવેદન સાંભળવું, અવસર સુલભતા, વ્યવસ્થાની વાતની પ્રતિતી અહીં થઇ રહી છે. લોકતંત્રની વ્યવસ્થા બરાબર જળવાય અને જનહિત થાય તે આ સુશાસન છે. વડાપ્રધાને દુરંદેશથી કોરોનાની રસીકરણની કામગીરી કરાવી લોકોને સુરક્ષિત કર્યા. ચાર દિવસમાં જિલ્લામાં ૮૦ હજાર બાળકોને શિક્ષણ, આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા વેકસીન અપાઇ તે સુશાસન છે.
આ તકે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, પુરા પગારના આદેશથી આપના આનંદમાં મારી શુભેચ્છાઓ પાઠવું છું. બન્ની પચ્છમ અને સરહદી વિસ્તાર માટે શિક્ષકોના સુવિધાયુકત રહેણાંક બનાવવા માટે અમે મોટી ગ્રાન્ટ ફાળવી દીધી છે. સરહદી વિસ્તારોમાં ૧૦૦ કરતાં વધુ પ્રવાસી શિક્ષકોને મારી સંસ્થા, સમાજ નવનિર્માણ દ્વારા શિક્ષણ કાર્ય કર્યુ છે એમ દરેક શિક્ષકે લોકો માટે પોતાનું યોગદાન આપવું જોઇએ. વડાપ્રધાન મોદી જયારે રાજ્યના  મુખ્યમંત્રી હતા ત્યારે કર્મયોગી શબ્દો આપી સૌ કર્મચારીઓને સન્માન આપ્યું છે. ટેકનોલોજી અને પ્રાથમિક સુવિધાયુકત શિક્ષણ માટે સરકારે નોંધનીય કામગીરી કરી છે. સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની કામ માટેની સમય મર્યાદાનો બદલાવ લાવવામાં વડાપ્રધાનનો મહત્વપૂર્ણ વિચાર છે અધિકારી/કર્મચારી અને શિક્ષકોએ પણ તેમાં યોગદાન આપ્યું છે. જેમાં સૌ નોંધનીય કામગીરી કરી રહયા છે. શિક્ષણ સાથે ઈત્તર પ્રવૃતિમાં બાળકો શ્રેષ્ઠ બને તેવો પ્રયત્ન કરીએ એમ સાંસદે શિક્ષકોને જણાવ્યું હતું.
મેરીટના ધોરણે અરજદારોએ પોતાની શ્રેષ્ઠતાના પગલે લાયકાત મુજબ નોકરી મેળવી રહયા છે. યોગ્ય ઉમેદવાર માટે સરકારની પારદર્શિતા મહત્વપૂર્ણ છે. ભારતીય નાગરિક અને શિક્ષક તરીકે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી શિક્ષકની છે. વિધાર્થીઓમાં તંદુરસ્ત સ્પર્ધા અને ઈતરપ્રવૃતિઓથી તેમની શ્રેષ્ઠતા બહાર લાવીએ એમ સાંસદે વધુમાં જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાજય સરકારની ભરતી પ્રક્રિયાના નિયમોનુસાર વર્ષ ૨૦૧૬ની ભરતીના શિક્ષકોને પુરા પગારના આદેશો અપાયા છે જે પૈકી કચ્છ જિલ્લામાં અનુદાનિત સ્કુલના ૪૮ અને સરકારી શાળાના ૪ થઇ કુલ ૫૨ શિક્ષકોને પુરા પગારના આદેશો એનાયત કરાયા છે.
આ તકે પ્રજાપતિએ જિલ્લામાં શિક્ષણની વહીવટી પારદર્શિતા સાથે વર્ષ ૨૦૨૦ સુધીની કામગીરી તેમજ જિલ્લામાં શિક્ષણસ્તર સુધારણા પૈકી લખપતના નરા ગામ સહિત અન્ય ૧૧ સ્કુલોમાં ધોરણ ૧૧નો પ્રારંભ, કોવીડ-૧૯ માં દર રવિવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી ધોરણ ૧૦ થી ૧૨ના વિધાર્થીને ભણાવવાનું કામ શિક્ષકો કરાવી રહયા છે એમ જણાવ્યું હતું.
જિલ્લામાં અગ્રણી કંપનીઓ સાથે વિધાર્થી માટે એમ.ઓ.યુ. કર્યા છે તેમજ આગામી એપ્રિલથી તમામ સ્કુલોના JEE અને NEET ના પરીક્ષાના કોચીંગ કલાસ ત્રણ કલાક સુધી અપાશે. ૧૫ થી ૧૮ વર્ષના ૮૦ હજાર જેટલા વિધાર્થીઓનું રસીકરણ કરાયું છે એમ પણ તેમણે આ તકે જણાવ્યું હતું.
ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મનોજભાઇ લોઢાએ ઓનલાઇન ભરતી, મેરીટ અને ઓર્ડરમાં સરકારની પારદર્શિતા અને શિક્ષકોની મહેનત અંગે પ્રવચન આપી શિક્ષણ ક્ષેત્રે જિલ્લામાં યોગદાન આપનાર સર્વેની વાત રજુ કરી હતી.
આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ આદેશ લેનારા તમામ શિક્ષકોને જણાવ્યું હતું કે, “રેતાળના હેતાળ કચ્છી માનવી તમને સહયોગ આપશે. કોવીડ-૧૯માં સરકાર અનુકુળ વાતાવરણથી શિક્ષણ અપાવી રહી છે. કોવીડ-૧૯ માં કચેરી બાળકોના હિતમાં શિક્ષણ કાર્ય કરે છે અમે તેના સહયોગ કરીએ છીએ. સૌના સાથ સૌના વિશ્વાસની જેમ અમારા સૌનો સાથ બધાને આપીશું.”
NCLના નિયામક ત્રિકમભાઇ છાંગાએ પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, કચ્છને વિકાસની દિશામાં સતત આગળ વધારવામાં પ્રયત્નશીલ અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય અને સાંસદ વિનોદભાઇ ચાવડા આપણી સાથે છે. રાજય સરકારની પારદર્શક વહીવટના પગલે મેરીટ આધારિત ભરતીથી નિમણુંક પામેલા સૌ સરકારની પારદર્શિતાના ઉદાહરણ છે.
સંસ્થાના ટ્રસ્ટી કે.કે.હિરાણીએ જણાવ્યું હતું કે, જીવનની કોઇપણ સ્થિતિને અનુકૂલન સાધવાની કૌશલ્યકલા શિક્ષણ છે શિક્ષકોએ તૈયાર કરેલા વિશિષ્ટ નાગરિકો તેમની અમીરીનું પ્રતિક છે. નિષ્ઠાપૂર્વક તૈયાર કરેલા વિધાર્થીઓ દેશના ઉત્તમ નાગરિકો બનશે.
આભારવિધિ કેળવણી નિરીક્ષક બી.એમ.વાઘેલાએ કરી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણી સર્વટ્રસ્ટીઓ કેળવણી નિરીક્ષક વસંતભાઇ તેરૈયા, બીપીનભાઇ, ઘનશ્યામ નાકર, દિપીકા પંડયા, મેનાબેન, ઉપપ્રમુખ જગદીશભાઇ વાઘાણી, આદેશ લેનારા શિક્ષકો, આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારો તેમજ વિવિધ સંઘના હોદેદારો તેમજ વિવિધ સંઘના હોદેદારોએ શાળાના શિક્ષકો વગેરે કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ ઉપસ્થિત રહયા હતા.


અહેવાલ:કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here